આમોદ તાલુકાના વાતરસા ગામના ભૂતપૂર્વ સરપંચ અને ડેપ્યુટી સરપંચ દ્વારા ૫૮,૮૩૫ મેટ્રિક ટન સાદી માટીનું ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. આ અંગે એક જાગૃત નાગરિકે કરેલી ફરિયાદના આધારે ભરૂચ જિલ્લા ભૂસ્તર અને ખાણ ખનિજ વિભાગે તપાસ હાથ ધરી હતી.

તપાસ ટીમે જીપીએસ અને માપણી ટેપની મદદથી ખોદકામની ઊંડાઈ અને જથ્થાની માપણી કરી હતી, જેમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિની પુષ્ટિ થઈ હતી. આથી, ભૂસ્તરશાસ્ત્રીએ પૂર્વ સરપંચ વલીભાઈ ઇસ્માઇલ ચટી અને ડેપ્યુટી સરપંચને જવાબદાર ઠેરવી કુલ ₹૧,૪૫,૧૭,૫૪૫ નો દંડ ફટકાર્યો છે.
આ મામલે પૂર્વ સરપંચને કારણ દર્શક નોટિસ પણ પાઠવવામાં આવી હતી, જેના જવાબમાં તેમણે ખુલાસો રજૂ કર્યો છે. હવે આ કેસની વધુ સુનાવણી ૬ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રાખવામાં આવી છે, જ્યાં પૂર્વ સરપંચને હાજર રહેવા જણાવાયું છે.

