સુરત શહેરમાં દોડતી બીઆરટીએસ બસના કન્વેન્શનલ ટાઈપ બસ સ્ટેન્ડ બનાવવા આયોજન કરી રહી છે. પાલિકાના રાંદેર ઝોનમાં જહાંગીરપુરાથી પાલનપોર વચ્ચે સાત કરોડના ખર્ચે 9 કન્વેન્શનલ ટાઈપ બી.આર.ટી.એસ. બસ શેલ્ટર બનાવાશે. આવા પ્રકારના બસ સ્ટેન્ડમાં દિવ્યાંગ મુસાફરો માટે રેમ્પ, ધાત્રી માતાઓ માટે ફીડીંગ રૂમ, ટીકીટ કેબીન વિગેરે જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવશે.

સુરત પાલિકા દ્વારા સામુહિક પરિવહન સેવાને વધુ સુદઢ બનાવવા માટે બસની સંખ્યામાં વધારો કરી રહી છે અને તેની સાથે મુસાફરોની સંખ્યામાં વધારો થતાં બસ સ્ટેશનનો લાભ વધુ મુસાફરો લઈ શકે તે માટે હવે કન્વેન્શનલ ટાઈપ બી.આર.ટી.એસ. બસ શેલ્ટર બનાવવા આયોજન કરવામાં આવ્યું છે. આ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. એક બસ શેલ્ટર પાછળ અંદાજે 52 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. 4.72 કરોડ રૂપિયાના ખર્ચે બનનારા 9 બસ શેલ્ટર માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ તંત્ર દ્વારા રજુ કરવામાં આવી છે જેના પર સ્થાયી સમિતિ નિર્ણય કરાશે.

