વાગરા તાલુકાની સાયખા GIDCમાં આવેલી કંસાઈ નેરોલેક પેઇન્ટ્સ લિમિટેડ કંપનીમાં બુધવારે સવારે લાગેલી ભીષણ આગ બાદ ફેક્ટરી ઇન્સ્પેક્ટરે તાત્કાલિક પગલું ભરીને કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી છે. આગ લાગવાનું પ્રાથમિક કારણ થર્મિક ફ્લુઇડ પ્લાન્ટના હીટરમાંથી 270 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનું ગરમ ઓઇલ લીકેજ થતાં આગ લાગી હોવાનું અનુમાન છે.

આ ઘટનાએ કંપનીની સુરક્ષા પ્રોટોકોલ અને વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. થર્મિક ફ્લુઇડ પ્લાન્ટમાં ગાસ્કેટ લીકેજ થવું એ ગંભીર બેદરકારી દર્શાવે છે. યુવા કોંગ્રેસના નેતા ઇમ્તિયાઝ પટેલના આક્ષેપ મુજબ, કંપનીના ગેટ પર ફાયર ફાઇટર્સ અને પોલીસને પ્રોટોકોલના નામે રોકી રાખવામાં આવ્યા હતા, જે ગુનાહિત બેદરકારી સમાન છે અને પુરાવા નષ્ટ કરવાની શંકાઓ ઊભી કરે છે. સાયખા GIDCના બિસમાર રસ્તાઓને કારણે ફાયર ટેન્ડરો સમયસર ઘટનાસ્થળે પહોંચી શક્યા નહોતા, જેનાથી આગ વધુ ફેલાઈ હતી. આ મુદ્દે સ્થાનિક ધારાસભ્યની લાપરવાહી સામે પણ જનતામાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે. કંપની દ્વારા માલવાહક વાહનો મુખ્ય માર્ગ પર પાર્ક કરવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, જેના પર તંત્ર દ્વારા કોઈ નિયંત્રણ લેવાયું નથી.
આ સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ અને ઝીણવટભરી તપાસ થવી અનિવાર્ય છે અને જવાબદાર કંપની અધિકારીઓ તેમજ વહીવટી તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઊઠી છે.

