એશિયા કપ 2025માં ભારતીય ટીમના ઓપનર અભિષેક શર્મા શાનદાર બેટિંગ કરી રહ્યા છે. તેણે બાંગ્લાદેશ સામે સુપર 4 મેચમાં ફરી એકવાર ધમાકેદાર અડધી સદી ફટકારી, પોતાની ટીમને ફાઇનલમાં પહોંચાડી. મેચ પછી પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરાયેલા અભિષેક શર્માએ જણાવ્યું હતું કે, ‘મારૂ નીડર વલણ બાળપણથી જ શરૂ થયું હતું. મારા પિતા પૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર રાજકુમાર શર્મા હંમેશા મને કહેતા હતા, બોલ ફટકારવા માટે જ હોય છે.’

સુપર 4 તબક્કામાં અભિષેકની સતત બીજી ફિફ્ટી
25 વર્ષીય અભિષેક શર્મા ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નંબર વન બેટર છે. બુધવારે (24મી સપ્ટેમ્બર) તેણે 37 બોલમાં 75 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી, જેમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે. ભારતે 41 રનથી મેચ જીતીને ફાઇનલમાં સીધો પ્રવેશ મેળવ્યો હતો. સુપર 4 તબક્કામાં અભિષેકની આ સતત બીજી ફિફ્ટી હતી. અગાઉ તેણે પાકિસ્તાન સામે 74 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી.મેચ પછી અભિષેક શર્માએ જણાવ્યું હતું કે, ‘હું ફક્ત મારું કામ કરી રહ્યો છું. જેમ મેં પહેલા કહ્યું હતું તેમ, હું બેટિંગ કરતી વખતે વધુ પડતું વિચારતો નથી. હું ફક્ત પ્રવાહ સાથે જાઉં છું. જો બોલ મારી રેન્જમાં હોય, તો હું પાવરપ્લેનો મહત્તમ ઉપયોગ કરવા માટે પહેલા બોલ પર મોટો શોટ મારું છું.’બાંગ્લાદેશ સામેની પોતાની રણનીતિ અંગે તેમણે કહ્યું, ‘કેટલીક મેચોમાં હું પહેલા બોલથી જ એટેક કરવા માંગતો હતો, પરંતુ આજે પિચ નવી હતી, તેથી પહેલા તેનું નિરીક્ષણ કરવું મહત્ત્વપૂર્ણ હતું. બોલ સ્વિંગ અને સીમ થઈ રહ્યો હતો. હું હંમેશા ફિલ્ડનું નિરીક્ષણ કરીને અને મારી શક્તિ પર વિશ્વાસ કરીને શોટ રમું છું.’
ફાઈનલમાં ભારત કોનો સામનો કરશે?
અભિષેકની વિસ્ફોટક બેટિંગને કારણે ભારતે પહેલી ઈનિંગમાં 168/6 રન બનાવ્યા અને પછી બાંગ્લાદેશને 19.3 ઓવરમાં 127 રનમાં ઓલઆઉટ કરી દીધું. ભારત હવે રવિવારના ફાઈનલમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચના વિજેતાનો સામનો કરશે.

