સુરત શહેરના હીરા ઉદ્યોગમાં ફરી એકવાર વિશ્વાસઘાત અને છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. આ વખતે ડાયમંડ વેપારીનો વિશ્વાસ જીતીને રૂપિયા 1,00,92,780 નું જંગી પેમેન્ટ ન ચૂકવનાર મુખ્ય આરોપી જીમિત સવાણીની ઇકો સેલ (આર્થિક ગુના નિવારણ શાખા) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ, આરોપી જીમિત સવાણીએ વેપારીને વિશ્વાસ અપાવ્યો હતો કે તેના પિતા જીતેન્દ્ર સવાણી અને ભાઈ ઋત્વિક સવાણી મુંબઈમાં હીરાનો મોટો વેપાર સંભાળે છે.આ વિશ્વાસના આધારે તેણે ફરિયાદી વેપારી પાસેથી નેચરલ ડાયમંડ (LB હીરા)નો મોટો જથ્થો ખરીદ્યો હતો અને 45થી 60 દિવસમાં પેમેન્ટ ચૂકવવાની શરત નક્કી કરી હતી.તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, આરોપી જીમિત સવાણીએ વેપારી પાસેથી 30 એપ્રિલથી 26 સપ્ટેમ્બરની વચ્ચે કુલ રૂપિયા 1,35,72,580 ની કિંમતના હીરાની ખરીદી કરી હતી. જોકે, આટલો મોટો માલ લીધા બાદ તેણે માત્ર રૂપિયા 34,79,800નું જ આંશિક પેમેન્ટ ચૂકવ્યું હતું, અને બાકીના રૂપિયા 1 કરોડથી વધુ રકમ લાંબા સમય સુધી ચૂકવવામાં આનાકાની કરી હતી. જ્યારે વેપારી દ્વારા બાકી પેમેન્ટ માટે સતત દબાણ કરવામાં આવ્યું, ત્યારે જીમિત, તેના પિતા જીતેન્દ્ર અને ભાઈ ઋત્વિક માત્ર અલગ-અલગ વાયદાઓ આપીને સમય પસાર કરતા રહ્યા. અંતે, ત્રણેય આરોપીઓએ ફરિયાદી વેપારીના મોબાઇલ નંબર બ્લેક લિસ્ટમાં નાખી દીધા હતા, જેના કારણે વેપારી સંપર્ક વિહોણા બન્યા હતા.

પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો ખ્યાલ આવતા જ વેપારીએ તાત્કાલિક ઇકો સેલમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ઇકો સેલની ટીમે ઝડપી કાર્યવાહી કરીને મુખ્ય આરોપી જીમિત સવાણીની ધરપકડ કરી લીધી છે. હાલમાં પોલીસ જીમિતના પિતા જીતેન્દ્ર અને ભાઈ ઋત્વિકની આ ગુનામાં સંડોવણી અંગે સઘન તપાસ કરી રહી છે. આ ઉપરાંત, આ છેતરપિંડી પાછળ કોઈ મોટું નેટવર્ક સક્રિય છે કે કેમ, તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. હીરા ઉદ્યોગમાં વધતા જતા આ પ્રકારના વિશ્વાસઘાતથી વેપારીઓમાં સલામતી અંગે ચિંતા પ્રસરી છે.
રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત

