અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) નવરાત્રિના તહેવાર પર વરસાદ વિઘ્ન બની શકે છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ, એટલે કે 28 સપ્ટેમ્બરથી 1 ઑક્ટોબર સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ આગાહીને પગલે રાજ્યના ઘણા વિસ્તારોમાં ગરબા રસિયાઓ અને આયોજકોની ચિંતા વધી છે.

ચોમાસાની વિદાય ટાણે જ વરસાદી માહોલ
રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 111 ટકા વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કચ્છમાં 131 ટકા અને ઉત્તર ગુજરાતમાં 119 ટકા વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 117 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 113 ટકા અને સૌરાષ્ટ્રમાં 96 ટકા વરસાદ પડ્યો છે. હવે ચોમાસાની વિદાય ટાણે જ ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં મેઘરાજાએ જમાવટ કરી છે.
ક્યાં ક્યાં પડશે વરસાદ?
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના જુદા જુદા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.
28 સપ્ટેમ્બરની આગાહી
ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. અમદાવાદમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે.
29 સપ્ટેમ્બરની આગાહી
આણંદ, વડોદરા, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
30 સપ્ટેમ્બરની આગાહી
ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની શક્યતા છે.
1 ઑક્ટોબરની આગાહી
નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની સંભાવના છે.

