ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાં આશરે સાત કરોડ રૂપિયાના માતબર ખર્ચે શરૂ કરાયેલ તળાવ બ્યુટીફિકેશન પ્રોજેક્ટમાં ઘોર બેદરકારી અને વ્યાપક ભ્રષ્ટાચારનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવેલી રજૂઆતો અને સ્થળ પરના ખોદાણની ચકાસણીએ નગરપાલિકાના તંત્ર અને કન્સલ્ટન્ટની કામગીરીના પોત ખોલી નાખ્યા છે, જેનાથી સમગ્ર શહેરમાં ભારે રોષ અને ચકચાર વ્યાપી ગઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, તળાવ બ્યુટીફિકેશનના કામકાજમાં જ્યાં ચાર ઇંચ પીસીસીનું કામ નિયમ મુજબ થવું જોઈતું હતું. ત્યાં માત્ર બે ઇંચ જ કામ કરવામાં આવ્યું હોવાનું સ્થળ પરના ખોદાણ બાદ સ્પષ્ટપણે બહાર આવ્યું છે. આ અડધું કામ કરીને આખા કામના સાત કરોડ રૂપિયાના ખર્ચનો દેખાડો કરવો એ જાહેર ખજાનાની ખુલ્લી લૂંટ અને છેતરપિંડી સમાન છે. ટેકનિકલ માપદંડોની આ સરાસર અવગણના પ્રોજેક્ટની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા કરે છે.

અને નિર્માણ કાર્યની ટકાઉક્ષમતાને જોખમમાં મૂકે છે. આ ભ્રષ્ટાચારનો પર્દાફાશ થતાં જ નગરપાલિકા તંત્ર દ્વારા કન્સલ્ટન્ટ અને નગરપાલિકાના એન્જિનિયરને તાત્કાલિક જવાબ આપવા માટે બોલાવવામાં આવ્યા હતા. જોકે આ બંને જવાબદાર વ્યક્તિઓમાંથી કોઈએ પણ સ્પષ્ટતા કરવાની હિંમત દેખાડી નહોતી અને ગોળગોળ જવાબો આપીને મૌન સેવ્યું હતું. આ અકળ મૌનથી નાગરિકોમાં એવી શંકા વધુ ગાઢ બની છે કે કોન્ટ્રાકટર, કન્સલ્ટન્ટ અને નગરપાલિકાના એન્જિનિયર વચ્ચે ઘનિષ્ઠ મીલીભગત છે. જેના કારણે જાહેર નાણાંના ભોગે આ અનિયમિતતા આચરાઈ છે.

આમોદ શહેરના જાગૃત નાગરિકો અને પ્રબુદ્ધ વર્ગમાં આ મુદ્દે ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે. તેઓ સ્પષ્ટપણે માની રહ્યા છે કે સાત કરોડના ખર્ચમાં અડધું કામ દર્શાવીને જાહેર નાણાંનો ભોગ લેનાર આ તમામ જવાબદાર તત્વો સામે તાત્કાલિક ધોરણે ઉચ્ચ સ્તરીય વિજિલન્સ તપાસ બેસાડવી અત્યંત જરૂરી છે. નાગરિકોની એકસૂર માંગ છે કે, આવી અનિયમિત અને ભ્રષ્ટાચારયુક્ત કામગીરી આચરનારા તમામ જવાબદાર અધિકારીઓ, કન્સલ્ટન્ટ અને કોન્ટ્રાકટર પર કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ.

જો આ મામલે ત્વરિત અને સખત પગલાં લેવામાં નહીં આવે, તો આમોદ શહેરની જનતા આ ગેરરીતિઓને ક્યારેય માફ નહીં કરે અને ભવિષ્યમાં આવા સરકારી વિકાસ કાર્યોમાં લોકોનો વિશ્વાસ ડગી જશે. પ્રજાના પૈસે થતા વિકાસના નામે થતી આ ખુલ્લી લૂંટ સમાન કામગીરી સામે તંત્ર ક્યારે જાગશે અને જવાબદારોને ક્યારે સજા થશે. તે જોવું રહ્યું.
રિપોર્ટર: સૈફ અલી ભટ્ટી વાગરા

