BHARUCH : વાગરામાં રાજકીય ઉથલપાથલ ચાલુ, AAPમાં 35 યુવાનોનું જોડાણ, છતાં પક્ષપલટાનો દોર અકબંધ

0
65
meetarticle

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં રાજકીય ઉથલપાથલ ચરમસીમાએ પહોંચી છે. એક તરફ જ્યાં આમ આદમી પાર્ટી સતત કોંગ્રેસમાંથી નેતાઓને પોતાની તરફ ખેંચી રહી છે. ત્યાં બીજી તરફ AAPના નારાજ કાર્યકરોની ઘરવાપસીનો સિલસિલો પણ શરૂ થઈ ગયો છે. તાજેતરમાં વાગરા ખાતે કોંગ્રેસના ઉસ્માનભાઈ ઉમરજી પટેલ પોતાના સાથીઓ સાથે AAPમાં જોડાયા હતા. આ મોટા જોડાણના પડઘા હજુ શમ્યા નથી. ત્યાં AAPએ વધુ એક શક્તિ પ્રદર્શન કર્યું છે. ગઈકાલે સાંજે વાગરા તાલુકાના જાગેશ્વર ગામે ૩૫ જેટલા નવ યુવાનોએ ઉત્સાહ સાથે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. આ યુવાનોનું સ્વાગત કરવા માટે AAPના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા. જેમાં લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરજી, જીલ્લા પ્રમુખ પિયુષ પટેલ, યુવા આગેવાન ચિરાગભાઈ, એડવોકેટ કમલેશભાઈ મઢીવાલા અને તાજેતરમાં જોડાયેલા ઉસ્માનભાઈ ઉમરજી પટેલનો સમાવેશ થાય છે. આ જોડાણ સૂચવે છે કે સ્થાનિક સ્તરે AAP યુવા વર્ગમાં પોતાનું વર્ચસ્વ વધારવા માટે આક્રમક રીતે પ્રયાસ કરી રહી છે.

જોકે વાગરાની રાજનીતિ એકતરફી નથી રહી. જે દિવસે સાંજે જાગેશ્વર ખાતે AAP દ્વારા ૩૫ યુવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હત. તે જ દિવસની સવારમાં એક મોટી પક્ષપલટાની ઘટના નોંધાઈ હતી. AAPના અગ્રણી જાવીદ મુન્શીએ પોતાના ૫૦થી વધુ કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીનો છેડો ફાડીને કોંગ્રેસમાં ઘર વાપસી કરી લીધી હતી. આ ગતિવિધિઓ દર્શાવે છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતાં બંને મુખ્ય વિરોધી પક્ષો વચ્ચે કાર્યકરો અને નેતાઓની લેવડ-દેવડ સતત ચાલુ છે. જેનાથી રાજકીય માહોલ ગરમાયો છે. રાજકીય પંડિતોનું માનવું છે કે, આ પ્રકારના પક્ષપલટા પાછળ મુખ્યત્વે બે કારણો જવાબદાર છે. ટિકીટ ન મળવાની નારાજગી અને બીજું ટિકીટ મળવાની લાલચ. જે નેતાઓ વર્તમાન પક્ષમાં ટિકીટથી વંચિત રહે છે. તેઓ અન્ય પક્ષમાં તક શોધે છે. તેવામાં આગામી ચૂંટણીઓમાં પોતાને યોગ્ય સ્થાન મળે તે આશાએ નેતાઓ સમયસર પક્ષ બદલી રહ્યા છે. વાગરા તાલુકામાં એક જ દિવસમાં આટલા મોટા પ્રમાણમાં થયેલું જોડાણ અને છૂટા પડવાની ઘટના સૂચવે છે કે, ચૂંટણી પહેલા જમીની સ્તરે પક્ષો પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે સઘન પ્રયાસો કરી રહ્યા છે. અને આ રાજકીય અસ્થિરતા આગામી દિવસોમાં પણ ચાલુ રહેવાની શક્યતા રહેલી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here