AHMEDABAD : ચાલુ વાહને મોબાઇલ જોવો જોખમી: ગુજરાતમાં એક વર્ષમાં 150 અકસ્માત, 33 લોકોના મોત

0
64
meetarticle

વાહન ચાલું હોય ત્યારે ‘જરા! એક સેકન્ડ મોબાઈલ જોઈ લઉં!’ આવા વિચાર માત્રથી મોબાઈલમાં એક સેકન્ડ જોવામાં એક વર્ષમાં 33 લોકોએ જીવ ગુમાવ્યા છે, 97 જણાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને 90 જણાંને સામાન્ય ઈજાઓ થઈ છે. મોબાઈલના વળગણને કારણે વાહન ચલાવતાં ચલાવતાં એક વર્ષમાં 150 ગંભીર અકસ્માતો ગુજરાત ટ્રાફિક પોલીસના ચોપડે ચડ્યા છે. આ તો નોંધાયેલા કેસ છે ઉપરાંત ન નોંધાયેલા અસંખ્ય અકસ્માતોમાં મોબાઈલનો ઉપયોગ પણ પ્રમુખ કારણ બહાર આવ્યું છે. આખા દેશમાં 2024માં આ પ્રકારના મૃતકોનો આંકડો 2884નો છે.

ચાલુ વાહને મોબાઈલ વાપરવો જોખમી

આ અંગે વાત કરતાં મનોચિકિત્સક જણાવે છે કે, જ્યારે એક વ્યક્તિ ચાલુ વાહને મનમાં એવું ધારી લે છે કે ‘લાવ, બે જ સેકન્ડમાં હું વાત કરી લઉં.’ ત્યારે તે બે સેકન્ડમાં 33 મીટરનું અંતર જોયા વિના કાપી નાંખે છે. તે સમયે તેમના વાહનની ગતિ 40 કે 60 કિલોમીટર પ્રતિ કલાક હોય તો પણ ભયંકર અકસ્માત નોતરી શકે છે. એક કોલ આવી ગયા પછી તમારું મગજ ફરી પાછું રસ્તા પર ફોકસ થવા માટે કેટલીક સેકન્ડનો સમય લે છે. લોકો રસ્તામાં મોબાઈલનો ઉપયોગ ટાળે એ પ્રકારની જાહેર જાગૃતિનો હવે સમય આવી ગયો છે.

₹5000 દંડ છતાં ચાલુ વાહને મોબાઇલ કેમ!

સામાન્ય રીતે શહેરમાં વાહન પર બેસીને કોઈ મોબાઈલ ફોનમાં વાતો કરતાં કરતાં ચાલક જતો હોય તો તેને આ ગુના બદલ રૂ.5000નો દંડ ફટકારવામાં આવે છે. પરંતુ પોતાની માનસિક આદતને કારણે જાણતાં હોવા છતાં ચાલું વાહને મોબાઈલ લીધા વિના રહી નથી શકતા. શહેરના જાણીતા સાયકોથેરાપિસ્ટ આના માટે બીજું મોટું કારણ FOMO એટલે કે એકલા પડી જવાનો ડર પણ બતાવે છે. ત્રીજું કારણ હું મેનેજ કરી લઈશ. સેકન્ડમાં તો વાત પૂરી થઈ જશે. એવું વિચારતાં વિચારતા ચલાવનારા ઓવર કોન્ફિડન્સનો શિકાર બને છે. જ્યારે ચોથી કેટેગરીમાં ટ્રાફિક જામને કારણે કંટાળતાં વાહન ચાલકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે.

ફાસ્ટ લાઇફમાં મોબાઇલનો વધતો ઉપયોગ

આ ઉપરાંત અત્યારની ફાસ્ટ લાઈફમાં સામાજિક વર્ક પ્રેશર પણ આ પ્રકારના એક્સિડન્ટ વધારી રહ્યું છે. બોસ કે ક્લાયન્ટ તરફથી વ્યક્તિને આવતાં ‘કેટલે પહોંચ્યા?’ના સતત ફોન તેને ચાલુ વાહનો મોબાઈલ ઉપાડવા મજબૂર કરે છે. હેન્ડ્‌સ ફ્રીનો ઉપયોગ કરીને સાવ ઘ્યાન બેરા બનતા અનેક ચાલકો આ પ્રકારના અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ચાલુ વાહને ગીત બદલવા કે એપને એડજેસ્ટ કરવાની ભૂલ કરી બેસનારા અને પોતાનો સમય બચાવનારા મલ્ટી ટાસ્કિંગ કામ કરનારાઓની પણ સંખ્યા વધી હોવાથી ચાલકો દ્વારા ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવાની આદત વધી રહી છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here