ઔડાની મળેલી બેઠકમાં આગામી કોમનવેલ્થ તથા ઓલિમ્પિક ગેમ્સને ઘ્યાનમાં રાખીને સાત નવી ટી.પી.સ્કીમ.ની રચના કરવા માટે જાહેરાત કરાઈ છે. અમદાવાદ આ બંને ગેમ્સના યજમાન તરીકે છવાઈ જવા માંગે છે. ત્યારે સઈજ, ગોધાવી,કાણેટી,નિઘરાડ તથા મણિપુર જેવા ગામમા વિકાસનુ આયોજન કરાશે.નવી ટી.પી.સ્કીમ.ની રચનાથી આ વિસ્તારોમાં અંદાજે એક હજાર હેકટર વિસ્તારનું શહેરીકરણ થવાથી માળખાકીય સુવિધા ઝડપથી લોકોને મળી શકશે.

ઔડા દ્વારા સાત નવી ટી.પી.સ્કીમ.ની જાહેરાત કરાઈ છે. જેના પગલે ઔડાને નાગરિકોને જુદી જુદી માળખાકીય સુવિધા પુરી પાડવા માટેના પ્લોટ મળી રહેશે.ટી.પી.સ્કીમ.ના અમલથી નવા રસ્તાઓ પણ બનશે.બેઠકમાં જાસપુર-ખોડિયાર, કાણેટી-નિઘરાડ, નિઘરાડ,ચેખલા-ગોધાવી, લપકામણ,રકનપુર ઉપરાંત દહેગામ, રણાસણ-એણાસણ, રૂપાવટી અને છારોડી માટે ટી.પી.સ્કીમ.સંલગ્ન ઔડાને મળતા રિઝર્વેશનના પ્લોટ તથા રસ્તા અંગે પરામર્શ અપાતા ટી.પી.સ્કીમ.ની અંતિમ મંજૂરી માટેનો માર્ગ મોકળો બનશે.
બેઠકમાં ઔડા વિસ્તારમાં રેડી મિકસ કોંક્રીટ પ્લાન્ટમાટે જાહેર કરાયેલી એસ.ઓ.પી.માં કેટલાક ફેરફાર કરી બોર્ડ દ્વારા મંજૂરી અપાઈ હતી.કલોલ નગરપાલિકાને પાણીના સમ્પ, પમ્પિંગ સ્ટેશન તથા ફીલ્ટર પ્લાન્ટ માટે જમીન ફાળવવા બેઠકમાં નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત સાણંદ નગરપાલિકાને કોમ્યુનિટી હોલ બનાવવા જમીન ફાળવવા થયેલી રજૂઆતને પગલે 5627 ચોરસમીટર જમીન કોમ્યુનિટી હોલ બનાવવા સાણંદ નગરપાલિકાને ફાળવણી કરવા રાજય સરકારમા દરખાસ્ત કરવામા આવી છે.

