વિજયા દશમી અને દશેરા બંને હિન્દુ ધર્મના પ્રમુખ તહેવારો છે. જો કે ઘણા વર્ષોથી આ બંને એક જ દિવસે ઉજવવામાં આવે છે, પરંતુ આ વર્ષે બંનેની તિથિ અલગ અલગ છે.
નવરાત્રિના દસમા દિવસે માતા દુર્ગાનું વિસર્જન કરવામાં આવે છે, જેને વિજયાદશમી કહેવાય છે. આ જ દિવસ દશેરા પણ મનાવવામાં આવે છે. જેમાં રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. પરંતુ ઘણા લોકોને લાગે છે કે વિજ્યાદશમી અને દશેરા બંને એક ઉત્સવ છે.

નવરાત્રિના નવ દિવસ બાદ 10મો દિવસ નવ શક્તિઓના વિજયના ઉત્સવ તરીકે વિજયા દશમી તરીકે ઉજવાય છે.
દેશભરમાં દશેરાની ધૂમ મચે છે. અસત્યની સત્ય પર જીતના આ પર્વને દેશમાં ખુબ ધૂમધામથી મનાવવામાં આવે છે. વિજયાદશમી એ હિન્દુઓનો પ્રમુખ તહેવાર છે. એવી માન્યતા છે કે ભગવાન રામે દશમીના દિવસે અધર્મી રાવણને હણ્યો હતો. એટલું જ નહીં આ જ દિવસે માતા દુર્ગાએ મહિષાસુર નામના દાનવનો વધ કરીને તેના આતંકથી દેવોને મુક્ત કર્યા હતાં.
આમ તો દશેરાનું ધાર્મિક મહત્વ તો છે જ પરંતુ આ તહેવાર આજે પણ એટલો જ પ્રાસંગિક છે. આ પર્વ બુરાઈ પર અચ્છાઈનું પ્રતિક છે. આ તહેવાર ભગવાન શ્રી રામની કહાણી તો વર્ણવે જ છે. જેમણે લંકામાં સતત 9 દિવસ સુધી ચાલેલા યુદ્ધ પછી અહંકારી રાવણનો વધ કર્યો હતો અને માતા સીતાને તેમની કેદથી મુક્ત કર્યા હતાં.
આ બાજુ આ જ દિવસે માતા દુર્ગાએ મહિષાસુરનો પણ સંહાર કર્યો હતો. આથી આ પર્વને વિજયાદશમી તરીકે પણ ઉજવાય છે અને માતા દુર્ગાની પૂજા કરાય છે. કહેવાય છે કે ભગવાન શ્રી રામે પણ માતા દુર્ગાની પૂજા કરીને શક્તિનું આહ્વાન કર્યું હતું. ભગવાન શ્રી રામની પરીક્ષા લેતા પૂજામાં રાખવામાં આવેલા કમળના ફૂલોમાંથી એક ફૂલ ગાયબ કરી દેવાયું હતું. જેથી કરીને શ્રી રામને રાજીવનયન એટલેકે કમળના નેત્રોવાળા કહેવાતા હતાં. આથી તેમણે પોતાનું એક નેત્ર માતાને અર્પણ કરવાનો નિર્ણય લીધો. જેવા તેઓ પોતાના નેત્ર કાઢવા લાગ્યાં કે દેવી પ્રસન્ન થઈને તેમની સમક્ષ પ્રગટ થયા અને વિજયી ભવના આશીર્વાદ આપ્યાં.

વિજયાદશમીના દિવસે ભગવાન શ્રીરામ ચૌદ વર્ષનો વનવાસ ભોગવીને અન રાવણનો વધ કરી અયોધ્યા પહોંચ્યા હતા. તેથી પણ આ તહેવારને વિજયાદશમી કહેવાય છે.કહેવાય છે કે ત્યારબાદ દશમીના દિવસે પ્રભુ શ્રીરામે રાવણનો વધ કર્યો. ભગવાન રામની રાવણ પર અને માતા દુર્ગાની મહિષાસુર પર જીતના આ તહેવારની બુરાઈ પર અચ્છાઈની અને અધર્મ પર ધર્મની જીત તરીકે દેશભરમાં ઉજવણી થાય છે.
એવુ માનવામાં આવે છે કે અશ્વિન શુક્લ દશમીના રોજ તારો ઉદય થતા સમય ‘વિજય’ નામનો કાળ હોય છે. આ કાળ સર્વકાર્ય સિદ્ધિદાયક હોય છે. તેથી પણ તેને વિજયાદશમી કહેવાય છે.
રામની સેનાએ વિજયદશમી (દશેરા)એ રાવણનો સંહાર કરેલો. આ સંદર્ભમાં દશેરા ઉપર રાવણના પૂતળાનું દહન કરવાની લોકપરંપરા પ્રચલિત થઈ.

રાવણનો રામ સેના દ્વારા સંહાર થતાં, રાવણના સદગુણી ભાઈ વિભીષણે દશેરાના દિવસે ફાફડા-જલેબી ખવડાવેલાં, એવી લોકમાન્યતા છે. વિભીષણ તો રામનો પરમ ભક્ત હતો. તેથી જ રામના વિજયને વધાવવા એણે ફાફડા-જલેબી મિષ્ટાન વગેરે રામસેનાને ખવડાવ્યાં, આનંદ-પ્રમોદ કર્યો.ત્યારથી દશેરાના દિવસે ફાફડાજલેબી ખવડાવવાનો રિવાજ પ્રચલિત બની ગયો.
દશેરા એટલે વિજયાદશમી. વિજયાદશમી તો વણજોયું ઉત્તમ મુહૂર્ત (શુભસમય-દિવસ) ગણાય છે. એટલે આવા શુભ મુહૂર્તે અત્યારે મોંઘા વાહનો (ગાડી, કાર, ટ્રેક્ટર, રીક્ષા વગેરે) ખરીદાય છે. વળી દશેરાના વિજયાદશમીના દિવસે રથ-ઘોડા વગેરે વાહનો દ્વારા મેળવાતા વિજયની કથાઓ ગૂંથાયેલી છે. એટલે જ આ દિવસે રથ, ઘોડા વગેરે દોડાવવાની સ્પર્ધાઓ યોજાય છે.
દશેરા એટલે શત્રુના સીમાડે ત્રાટકીને વિજય મેળવવાનો દિવસ, આ દિવસે ભગવાન રામે રાવણ સાથે યુદ્ધ કરવા પ્રસ્થાન કર્યું હતું. તેથી આજે પણ કેટલેક સ્થળે લોકો ગામનો સીમાડો ઓળંગે છે. રાજાઓના કાળમાં આ દિવસે કોઈ રાજા સીમા ઓળંગીને શત્રુ તરફ પ્રસ્થાન કરે, એવી પરંપરા હતી. આ સંદર્ભમાં આજે પણ વિજય મેળવવાની ભાવનાથી શસ્ત્રો, ઘોડા, વાહનો વગેરેની પૂજા થાય છે.

મરાઠાઓ અને રાજપૂતો વાહનો-શસ્ત્રો વગેરેની પૂજા કરીને શત્રુના પ્રદેશ ઉપર ચઢાઈ કરતા શસ્ત્રાસ્ત્ર સજ્જ કરી, હાથી-ધોડાની સવારી નીકળતી, ધોડાદોડની સ્પર્ધાઓ પણ થતી. આ સંદર્ભમાં બહુચરાજી વગેરે સ્થાનકોએ દશેરાના દિવસે માતાજીને નવલખો હાર પહેરાવીને એમની ભવ્ય સવારી સીમા ઓળંગી, ગામ બહાર શમીવૃક્ષનું પૂજન કરવા જાય છે. માતાજીના હાથોમાં પણ શસ્ત્રો છે. એ શસ્ત્રોથી એમણે રાક્ષસોનો સંહાર કરેલો. આ સંદર્ભમાં પણ વિજ્યાદશમીએ શસ્ત્રોની પૂજા થાય છે.


