સનાતન સંસ્કૃતિમાં નવમા નોરતે કન્યા પૂજનનું વિશેષ મહત્ત્વ રહેલું છે. ભક્તિ, શક્તિ અને આરાધનાના પર્વ સમાન નવલી નવરાત્રિના પાવનકારી નવમા નોરતે ભરૂચ પાંજરાપોળ ખાતે એક ધાર્મિક અને ભાવવાહી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

પાંજરાપોળના પવિત્ર પરિસરમાં ગૌ માતાના સાનિધ્યમાં આ કન્યા પૂજન સંપન્ન થયું હતું. આ પ્રસંગે શક્તિ સ્વરૂપા ગણાતી ૧૧ જેટલી કન્યાઓનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગૌ પુજારી કૌશિક જોશી એ પૂજન કરાવ્યું હતું. ભાવિકો દ્વારા બાળકીઓના ચરણ ધોઈ, તેમને કુમકુમ તિલક કરી, ભોજન કરાવી અને પૂજા અર્ચના કરવામાં આવી હતી.
કન્યા પૂજન સંપન્ન થયા બાદ, આ તમામ બાળકીઓને વિશેષ ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવી હતી. આ ધાર્મિક કાર્યક્રમમાં પાંજરાપોળના ટ્રસ્ટીઓ સહિત કન્યાઓના વાલીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. નવરાત્રિના પર્વની ધાર્મિક ભાવના જાળવીને સંસ્કૃતિના મહત્ત્વને ઉજાગર કરાયું હતું,
રિપોર્ટર: સૈફ અલી ભટ્ટી વાગરા

