ગીર સોમનાથમાં વેરાવળનાં સિડોકર ગામમાં આજે વહેલી સવારે એક અત્યંત કરૂણ દુર્ઘટના બની છે, જ્યાં મોમાઈ માતાજીના પૂંજ મહોત્સવ પ્રસંગ દરમિયાન વીજ કરંટ લાગતા એક કિશોર સહિત ત્રણ ભાવિકોના કરૂણ મોત નિપજ્યાં હતા. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પ્રાથમિક માહિતી અનુસાર, વેરાવળ તાલુકાના સિડોકર ગામમાં વહેલી સવારે રબારી સમાજ દ્વારા દર વર્ષની પરંપરા પ્રમાણે, નવરાત્રીની આઠમ અને નોમના દિવસે મોમાઈ માતાજીનો ધામક પૂંજ મહોત્સવ યોજવામાં આવ્યો હતો. આજે પ્રસંગનો આખરી પડાવ હતો. આ દરમિયાન વરસાદ વરસી રહ્યો હતો ત્યારે ભાવિકો ભંડારા પાસે ઊભા હતા અને વરસાદથી બચવા ઈલેક્ટ્રિક પેનલ બોર્ડ નજીક ગયા હતા. જેમાં અચાનક શોર્ટ સકટ થતા ત્રણેયને વીજ કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા જ ત્રણેય ઘટનાસ્થળે જ ઢળી પડયા હતા. જેમને તાબડતોબ સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ મૃત જાહેર કરતા ઉલ્લાસનો ધામક પ્રસંગ ગમગીનીમાં ફેરવાઈ ગયો હતો.
પ્રભાસપાટણના પોલીસ સુત્રોએ જણાવ્યું કે, સીડોકર ગામે આજે વહેલી સવારે 4 વાગ્યે વરસાદી વાતાવરણ વચ્ચે વીજ થાંભલામાંથી અચાનક કરંટ લાગતા કરશનભાઈ ગોવિદભાઈ મારૂ (ઉ. 45 , રહે.વડોદરા ઝાલા), ભરત નારણભાઈ ગળચર (ઉ. 18, રહે.તાલાલા) અને હર્ષદ ભરતભાઈ ચોપડા (ઉ. 13, રહે.રોણાજ)નું મોત નિપજ્યું હતું. જે મામલે જરૂરી નોંધ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે. સવારે બનાવ બન્યો ત્યારે પુંજ ઉત્સવમાં પોલીસનો બંદોબસ્ત ચાલુ હતો. જેથી તાત્કાલિક લોકોને દૂર ખસેડીને વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડયા હતા. જો કે, તેમનો જીવ બચાવી શકાયો નહોતો.

