અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે (બીજી ઓક્ટોબર) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ ખાતે ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત તેમણે વિજય ઘાટની પણ મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ‘મહાત્મા ગાંધીના આદર્શોએ માનવ ઈતિહાસની દિશા બદલી નાખી હતી.

‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, ‘ગાંધી જયંતિ એ આપણા પ્રિય બાપુના અસાધારણ જીવનને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે. તેમના આદર્શોએ માનવ ઇતિહાસની દિશા બદલી નાખ્યી. તેમણે બતાવ્યું કે હિંમત અને સરળતા કેવી રીતે મહાન પરિવર્તન લાવી શકે છે. તેઓ સેવા અને કરુણાને લોકોને સશક્ત બનાવવાનું સૌથી મોટું સાધન માનતા હતા. વિકસિત ભારત બનાવવાના અમારા કાર્યમાં અમે તેમના માર્ગને અનુસરીશું.

‘બીજી તરફ આજે વિજયાદશમીનો શુભ તહેવાર પણ છે. જેને લઈને વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ‘X’ પર લખ્યું, ‘વિજયાદશમી બુરાઈ અને અસત્ય પર સત્ય અને ભલાઈના વિજયનું પ્રતીક છે. હું ઈચ્છું છું કે આ શુભ પ્રસંગે, દરેકને હિંમત, શાણપણ અને ભક્તિના માર્ગ પર આગળ વધવાની પ્રેરણા મળે. દેશભરના મારા પરિવારના સભ્યોને વિજયાદશમીની શુભકામનાઓ.’

