ધોળકા તાલુકાના કોઠ ગામના તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મળી આવતાં ગ્રામજનોમાં ચિંતા અને રોષ વ્યાપી ગયો છે. તળાવના પાણી પર હજારોની સંખ્યામાં મૃત માછલીઓ તરી રહી હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ છે, જેણે લોકોના આરોગ્ય પર ગંભીર અસર થવાની ભીતિ ઊભી કરી છે.

મોટી સંખ્યામાં માછલીઓના મોતનું ચોક્કસ કારણ હજી સુધી અકબંધ છે. જોકે, સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે તળાવના પાણીનું પ્રદૂષણ, કે કેમિકલ્સ યુક્ત પાણી અથવા પાણીમાં ઓક્સિજનની ઊણપ મુખ્ય કારણ હોઈ શકે છે. આસપાસના વિસ્તારમાંથી ઔદ્યોગિક કચરો કે અન્ય કોઈ ઝેરી પદાર્થ તળાવમાં ભળ્યો હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આ દુર્ગંધને કારણે શ્વાસ લેવામાં તકલીફ થવી, ઉબકા આવવા અને અન્ય ચામડીના રોગો થવાનો ખતરો વધી ગયો છે. ગ્રામજનોએ
મૃત માછલીઓના યોગ્ય નિકાલ માટે વહીવટી તંત્રને જાણ કરી છે.
ગ્રામજનો અને પર્યાવરણ પ્રેમીઓએ માંગ કરી છે કે જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) આ સમગ્ર ઘટનાની ઝડપી તપાસ કરે, માછલીઓના મોત માટે જવાબદાર કારણો શોધી કાઢે અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે કડક પગલાં લે.

