વડોદરા શહેરના જયરત્ન બિલ્ડીંગ ચારરસ્તા પાસે કોર્પોરેશનએ ખોદેલ ખાડામાં ભાજપ પક્ષના ચિન્હ વાળી કાર ફસાઈ જવાની ઘટના સામે આવી છે. સદ્નસીબે આ ઘટનામાં મોટું નુકસાન કે જાનહાની થવા પામી નથી.

વડોદરા શહેરના વોર્ડ નં.14માં સમાવિષ્ટ જયરત્ન બિલ્ડીંગ ચાર રસ્તાથી પોલો ગ્રાઉન્ડ તરફના માર્ગ ઉપર કોર્પોરેશનને વરસાદી ગટર લાઈન નાખવાની કામગીરી હાથ ધરી છે. દરમ્યાન આજે જયરતના બિલ્ડીંગ ચાર રસ્તા પાસે જ આ કામગીરી માટે ખોદેલા ખાડામાં કાર નમી પડતા ફસાઈ ગઈ હતી. આ અકસ્માતમાં સદ્નસીબે કોઈ જાનહાની થવા પામી નથી. આ અંગે સ્થળ પર ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડનું કહેવું હતું કે, આગળ રસ્તો બંધ હોવાનું જણાવી કારચાલકને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ, કાર ચાલકે વાત ન સાંભળી કાર હંકારી મુકતા અકસ્માત સર્જાયો હતો, જ્યારે આ અંગે કોંગી કાઉન્સિલર બાળુસુર્વેએ કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉઠાવી નારાજગી દર્શાવી હતી. કાઉન્સિલરનું કહેવું હતું કે, પ્રિ-મોનસૂનની કામગીરી કોર્પોરેશન ચોમાસાની ઋતુ બાદ હાથ ધરી રહી છે, આ વરસાદી ગટર લાઈનની કામગીરીનું કામ છ મહિના અગાઉ મંજૂર થયેલું છે, વરસાદ વરસે અને રાત્રે ખાડો પાણીથી ભરેલ હોય તો અનિચ્છિય ઘટના બની શકે છે, કોન્ટ્રાક્ટરે આડાશ ન મૂકી બેદરકારી દાખવી છે, કોર્પોરેશને આવી કામગીરી દરમિયાન સુવિધા અને સુરક્ષાની તકેદારી રાખવી જોઈએ.

