બાવળા શહેરના ભરવાડ વાસના મકાનમાં પરિવારજનો જમવાનું બનાવી રહ્યા હતા તે દરમિયાન અચાનક ગેસ સિલિન્ડર ધડાકાભેર ફાટયો હતો. સિલિન્ડરના બ્લાસ્ટની તીવ્રતા એટલી જોરદાર હતી કે આજુબાજુના ત્રણ મકાનોની દિવાલો તૂટી પડી હતી, જેના કારણે મોટું નુકસાન થયું છે અને વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો.

આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા ત્રણ વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોને પહેલા બાવળાની સ્થાનિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, પરંતુ તે પૈકી એક વ્યક્તિને ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે.ઘટનાની જાણ થતાં જ બાવળા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરીને તપાસની કામગીરી શરૂ કરી છે. હાલ સિલિન્ડર ફાટવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ દુર્ઘટનાએ વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે. પોલીસ દ્વારા એફ એસ એલ ની પણ મદદ લેવાશે.

