અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. જૂનાગઢથી નેપાળ દર્શનાર્થે જઈ રહેલી દીપ ટ્રાવેલ્સની બસ (આશરે ૪૦ પેસેન્જરો સાથે)ને ધોળકા નજીક પુલેન સર્કલ પાસે રખડતા આખલાને બચાવવા જતાં ગમખ્વાર અકસ્માત નડયો હતો.

વહેલી સવારે આશરે ૪.૩૦થી ૪.૪૫ વાગ્યાની આસપાસ બની હતી. ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી આખલાને બચાવવાનો પ્રયાસ કરતાં બસ રોડની બાજુમાં આવેલી એક કંપનીના વરંડા અને દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. સદભાગ્યે, બસમાં સવાર તમામ ૪૦ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અને કોઈ પણ પ્રકારની જાનહાનિ ટળી હતી. અકસ્માતમાં કંપનીના વરંડા અને દિવાલને નુકસાન થયું હોવાના અહેવાલ છે. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
હાઈવે પર રખડતા પશુઓનો ત્રાસ!
આ ઘટનાએ ફરી એકવાર ધોળકા અને આસપાસના વિસ્તારમાં રખડતા પશુઓનો ત્રાસ હોવાની હકીકત ઉજાગર કરી છે. માત્ર ગામ કે શહેરી વિસ્તારોમાં જ નહીં, પરંતુ હવે હાઈવે પર પણ રખડતા પશુઓના કારણે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ આખલાઓ અને ગાયો હાઈવે પર બેસી રહેતા હોવાથી રાત્રિના કે વહેલી સવારના સમયે મુસાફરી કરતા વાહનચાલકો માટે મોટો ખતરો ઊભો થયો છે. સ્થાનિકો રખડતા પશુ સામે પગલાં લેવાની માગણી કરી છે.

