ગુજરાતમાં માંતેલા સાંઢની જેમ વાહન હંકારતા બેજવાબદાર લોકો પોતાની સાથે અન્ય લોકોના જીવને પણ જોખમમાં મૂકે છે. રાજ્યમાં એક વર્ષમાં 6594 વ્યક્તિના ઓવરસ્પીડથી અને 816ના બેદરકારીભર્યા ડ્રાઇવિંગ-ખોટી રીતે ઓવરટેક કરવાથી મૃત્યુ થયાનું સામે આવ્યું છે.

ઓવરસ્પીડિંગમાં ટૉપ-5 રાજ્ય
નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના વર્ષ 2023ના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં ઓવરસ્પીડના કુલ 14018 કેસ નોંધાયા છે અને તેમાં 12653 વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે, જ્યારે 6594ના મૃત્યુ થયા છે. એક વર્ષમાં ઓવરસ્પીડથી સૌથી વધુના મૃત્યુ થયા હોય તેવા રાજ્યમાં તમિલનાડુ 11153 સાથે મોખરે, કર્ણાટક 11174 સાથે બીજા, મહારાષ્ટ્ર 10167 સાથે ત્રીજા, રાજસ્થાન 6655 સાથે ચોથા જ્યારે ગુજરાત પાંચમાં સ્થાને છે.
બેદરકારીભર્યા ડ્રાઇવિંગના કારણે 816 વ્યક્તિએ જીવ ગુમાવ્યો
બેદરકારીભર્યા ડ્રાઇવિંગ-ઓવરટેકિંગ જેવી બાબતના એક વર્ષમાં નોંધાયેલા 1517 કેસમાંથી 1812 ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે 816 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. એક વર્ષના આ સમયગાળામાં ઓવરસ્પીડના અમદાવાદમાં નોંધાયેલા 1743 કેસમાંથી 1314 લોકો ઈજાગ્રસ્ત થયા છે જ્યારે 523 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. બીજી તરફ સુરતમાં 304, રાજકોટમાં 174 અને વડોદરામાં 184 વ્યક્તિના ઓવરસ્પીડને કારણ મૃત્યુ થયા છે.

