અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા H-1B વિઝા ફી વધારીને 1,00,000 ડૉલર કરવાના આદેશ સામે કાનૂની લડાઈ શરૂ થઈ ગઈ છે. શુક્રવારે (ત્રીજી ઓક્ટોબર) યુનિયનો, નોકરીદાતાઓ અને ધાર્મિક સંગઠનોના એક ગઠબંધને સાન ફ્રાન્સિસ્કોની ફેડરલ કોર્ટમાં આ આદેશને તાત્કાલિક રોકવા માટે અરજી દાખલ કરી છે.

નવી ફી લાદવાના અધિકારને પડકાર
આ મુકદ્દમો ટ્રમ્પની બે અઠવાડિયા પહેલા જાહેર કરાયેલી જાહેરાતને કોર્ટમાં પડકારતો પહેલો કાનૂની કેસ છે. આ જાહેરાત મુજબ, અમેરિકામાં પ્રવેશતા નવા H-1B વિઝા ધારકોને ફક્ત ત્યારે જ પ્રવેશ મળશે જો તેમના નોકરીદાતાઓ આ વધારાની જંગી ફી ચૂકવે. જોકે, આ આદેશ જેમની પાસે પહેલેથી વિઝા છે અથવા જેમણે 21મી સપ્ટેમ્બર પહેલા અરજી કરી છે તેમને લાગુ પડતો નથી.અરજદારો જેમાં યુનાઇટેડ ઓટો વર્કર્સ યુનિયન, અમેરિકન એસોસિયેશન ઓફ યુનિવર્સિટી પ્રોફેસર્સ, એક નર્સ ભરતી એજન્સી અને અનેક ધાર્મિક સંગઠનોનો સમાવેશ થાય છે, તેમણે દલીલ કરી હતી કે, ‘ટ્રમ્પ પાસે કાયદેસર રીતે સ્થાપિત વિઝા પ્રોગ્રામમાં આવા ફેરફારો કરવાનો અથવા નવી ફી લાદવાનો અધિકાર નથી. અમેરિકાના બંધારણ મુજબ માત્ર કોંગ્રેસ (સંસદ) પાસે જ ટેક્સ અથવા ફી લાદવાની સત્તા છે.
‘ટ્રમ્પ વહીવટીતંત્રનું વલણ: દુરુપયોગ અટકાવવો
વિઝા ફી વધારવાના પગલાને યોગ્ય ઠેરવતા ટ્રમ્પ વહીવટીતંત્રે દાવો કર્યો છે કે ‘સિસ્ટમનો દુરુપયોગ અટકાવવા અને અમેરિકન વેતન સ્તર ઘટતા અટકાવવા માટે આ જરૂરી હતું.’ વ્હાઇટ હાઉસના પ્રવક્તા એબીગેઇલ જેક્સને જણાવ્યું હતું કે, ‘આ પગલું એવી કંપનીઓને પણ ખાતરી આપે છે જેમને ખરેખર વિદેશી પ્રતિભાની જરૂર છે.’ હાલમાં નોકરીદાતાઓ H-1B સ્પોન્સરશિપ માટે કંપનીના કદના આધારે લગભગ 2,000થી 5,000 ડૉલર ફી ચૂકવે છે. ટ્રમ્પના આદેશથી આ ખર્ચ અનેક ગણો વધી જશે.
ભારત સૌથી મોટો લાભાર્થી
H-1B પ્રોગ્રામ હેઠળ વાર્ષિક 65,000 વિઝા આપવામાં આવે છે, જેમાં એડવાન્સ ડિગ્રી ધારકો માટે વધારાના 20,000 વિઝા હોય છે. 2023-24ના ડેટા અનુસાર, કુલ મંજૂર થયેલા વિઝામાંથી આશરે 71 ટકા વિઝા ભારતને મળ્યા હતા, જે આ પ્રોગ્રામનો સૌથી મોટો લાભાર્થી દેશ છે.
અરજીમાં ચેતવણી આપવામાં આવી છે કે આ નવો આદેશ એક “પે-ટુ-પ્લે” (Pay-to-Play) સિસ્ટમ બનાવશે, જ્યાં માત્ર ઊંચી ફી ચૂકવવા પરવડી શકે તેવી કંપનીઓ જ વિદેશી નિષ્ણાતોને નોકરી પર રાખી શકશે, જેનાથી નવીનતા અને ભ્રષ્ટાચારની સંભાવના વધશે.

