અમદાવાદમાં અવાર-નવાર દુકાનદારો પોતાની બ્રાન્ડિંગ માટે નતનવી જાહેરાત અને સ્કીમ બહાર પાડતા હોય છે. જેને લઈને ભારે ભીડ જોવા મળતી હોય છે. આવી જ એક ઘટના ફરી એકવાર સામે આવી છે. જ્યાં એક પિત્ઝા આઉટલેટે પ્રહલાદનગરમાં પોતાની નવી બ્રાન્ચ ખોલતા પહેલાં 1500 ફ્રી પિત્ઝા આપવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ લોકો આ સ્કીમનો લાભ લેવા માટે ઉમટી પડ્યા હતા. જોકે, અહીં એટલી ભીડ થઈ ગઈ હતી કે, લોકોના વાહન પાર્કિંગની પણ વ્યવસ્થા થઈ શકી નહોતી, જેને લઈને ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી. આ અવ્યવસ્થાની જાણ થતા ટ્રાફિક પોલીસની ટોઈંગ વેન ત્યાં આવી હપોંચી હતી અને આડેધડ પાર્ક કરેલા વાહનોને ટૉ કરવામાં આવ્યા હતા. જેથી કેટલાક લોકોને ટ્રાફિકના ભારે દંડ સાથે ફ્રી પિત્ઝા મોંઘા પડ્યા હોય તેવો ઘાટ સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ, એક પિત્ઝા આઉટલેટે પ્રહલાદનગરમાં પોતાની દુકાનના ઓપનિંગ વખતે ઓફર જાહેર કરી હતી કે, તેઓ પહેલાં 1500 પિત્ઝા ફ્રીમાં આપશે. ઓફરની જાણ થતા અનેક લોકો સ્કીમનો લાભ લેવા ઉમટ્યા હતા. એક વ્યક્તિને એક બોક્સ આપવાની સ્કીમ હોવાથી અનેક લોકોની દુકાનની બહાર મેળા જેવી ભીડ જામી હતી. આ સિવાય સ્કીમનો લાભ લેવા આવેલા લોકો માટે પાર્કિંગ પણ ખૂટી પડ્યું હતું, જેના કારણે લોકો નો પાર્કિંગમાં વાહન પાર્ક કરીને ફ્રી પિત્ઝા લેવા ઊભા રહી ગયા હતા.
જોકે, નવાઈની વાત એ છે કે, આડેધડ પાર્કિંગ દૂર કરવા અમદાવાદ ટ્રાફિક પોલીસની ટીમ પણ એક્ટિવ થઈ ગઈ હતી. ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે આડેધડ પાર્ક કરેલા વાહનો ટોઈંગ ટીમ ઉપાડી ગઈ હતી. જેના કારણે અનેક લોકોએ ફ્રી પિત્ઝાની સામે નો-પાર્કિંગનો ભારે દંડ ચૂકવવો પડ્યો હતો. આમ, અનેક અમદાવાદીઓને પિત્ઝા તો મફત મળ્યા પરંતુ, પિત્ઝાની લાલચમાં ટ્રાફિક નિયમ તોડવાના કારણે એક પિત્ઝા પર સારો એવો દંડ ભોગવવો પડ્યો હતો.

