સમગ્ર ભારતવ્યાપી વોટ ચોર ગાડી છોડ જનજાગૃતિ અભિયાન અંતર્ગત આમોદ શહેરમાં તિલક મેદાન સર્કલ ખાતે એક ભવ્ય અને અસરકારક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કિંગ મેકર મેહબૂબ કાકુજીના સશક્ત નેતૃત્વ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પ્રણાલી સામે સખત વિરોધ વ્યક્ત કરીને સાચી લોકશાહીની પુનઃસ્થાપના માટે હાકલ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન મેહબૂબ કાકુજી અને આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિતના આગેવાનોએ EVM પ્રણાલીની ખામીઓ પર તીખી ટીકા કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “EVMને દૂર કર્યા વિના સાચી લોકશાહી સંભવ નથી.” આ નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, લોકશાહી પ્રણાલીમાં મતદારોનો વિશ્વાસ ફરીથી સ્થાપિત કરવા માટે પારદર્શક મતદાન પ્રણાલી અનિવાર્ય છે. તિલક મેદાન ખાતે ઉપસ્થિત વિશાળ જનમેદનીને લોકશાહી પ્રણાલી પ્રત્યે જાગૃતિ લાવવા અને મતદાતાઓના હકો અંગે સમજણ વધારવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, ઉત્સાહી યુવાનો અને સમાજસેવી લોકો જોડાયા હતા. સૌએ એક અવાજે EVM હટાવોનો નાદ બુલંદ કર્યો હતો અને લોકશાહીના રક્ષણ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના સમાપન સમયે, સૌ ઉપસ્થિતોએ રાષ્ટ્રીય એકતા અને સ્વચ્છ ચૂંટણી પ્રણાલી માટે પ્રતિજ્ઞા લીધી હતી, જેણે આ અભિયાનને એક મજબૂત અને નિર્ણાયક સ્વરૂપ આપ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા આમોદમાં EVM વિરોધી ઝુંબેશ અને જનજાગૃતિના પ્રયાસોને વધુ વેગ મળ્યો છે.

REPORTER : સૈફ અલી ભટ્ટી વાગરા

