આમોદમાં સલામત સવારી એસ.ટી.અમારી ની ગંભીર બેદરકારી સામે આવી છે.ભલે એસ.ટી. તંત્ર મુસાફરોની સલામત સવારીની વાતો કરી મોટા મોટા સૂત્રો પોકારતી હોય પરંતુ આમોદમાં એસ.ટી.બસમાં સલામત સવારી કરતા પહેલા જ મહિલાનો હાથ ફેક્ચર થઈ ગયો હતો. જેથી એસ.ટી તંત્રની ગંભીર બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

આમોદ રેલવે સ્ટેશન પાસે રહેતા ચંપાબેન મગનભાઈ વસાવા ઉ.વ.૫૦ આમોદ થી ભરૂચ જવા માટે નીકળ્યા હતા.તેઓ આમોદ ચોકડી ઉપરથી ભરૂચ જતી એસ.ટી.બસ નંબર જીજે ૧૮ ઝેડ ૭૮૨૯ નંબરની બસમાં ચઢવા જતા હતા ત્યારે એસ.ટી.બસના ચાલકે બસ અચાનક ચાલુ કરી દેતા મહિલા મુસાફર ચંપાબેન વસાવાનો ડાબો હાથ બસના દરવાજામાં ફસાઈ ગયો હતો.અને તેઓ નીચે ફસડાઈ ગયા હતા.જેથી તેમનો ડાબો હાથ ફેક્ચર થઈ ગયો હતો.તેઓને તાત્કાલિક રીક્ષા મારફતે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા.જ્યાં તેઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલમાં રિફર કરવામાં આવ્યા હતા.આ બાબતે તેઓના ભાઈ દીપક વસાવાએ જણાવ્યું હતું કે મારા બહેન આમોદ થી ભરૂચ જવા માટે બસમાં ચઢતા હતા ત્યારે બસના ચાલકે બસ ઉપાડી મૂકતા મારી બેનનો હાથ દરવાજામાં ફસાઈ ગયો હતો.અને હાથમાં ફેક્ચર થયું હતું.અમો મહેનત મજૂરી કરીને જીવન ગુજરાન ચલાવીએ છીએ.
રિપોર્ટર સૈફ અલી ભટ્ટી વાગરા

