દેશના મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઇ પર એક વકીલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન જ જૂતુ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો, જોકે સુરક્ષાકર્મીઓએ તાત્કાલીક વકીલને પકડી લીધો હતો અને પોલીસને સોંપી દીધો હતો. આ ઘટનાની ભારે ટિકા થઇ રહી છે. ન્યાયવીદો, બાર કાઉન્સિલ તેમજ વકીલોના સંગઠનોએ આ ઘટનાને આકરા શબ્દોમાં વખોડી કાઢી છે. જ્યારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ આરોપી વકીલને સસ્પેન્ડ કરી દીધા હતા. દરમિયાન મુખ્ય ન્યાયાધીશ ગવઇએ કહ્યું હતું કે આવા કૃત્યોની મારા પર કોઇ અસર નથી થતી. કોઇ ફરિયાદ ના થતા અંતે આ વકીલને જવા દેવાયો હતો. સુપ્રીમ કોર્ટના રૂમમાં મુખ્ય ન્યાયાધિશ પર જૂતુ ફેંકી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવી ભારતના ઇતિહાસની સંભવત: આ પહેલી ઘટના હોવાનું મનાય છે.સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઇએ સોમવારે કોર્ટ નંબર ૧માં કાર્યવાહી શરૂ કરી હતી, શરૂ થનારી કેસોની કાર્યવાહી પર વકીલો દ્વારા શરૂઆતની રજુઆત થઇ રહી હતી ત્યારે અચાનક જ ૭૧ વર્ષીય વકીલ રાકેશ કિશોરે પોતાના પગમાં પહેરેલું જૂતુ કાઢ્યું અને મુખ્ય ન્યાયાધીશ ગવઇ પર ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ વકીલ બોલ્યો હતો કે સનાતનનું અપમાન નહીં ચલાવી લઇએ. આ દરમિયાન ત્યાં હાજર અન્ય વકીલો અને સુરક્ષા ગાર્ડે આ વકીલને તાત્કાલીક પકડી લીધો હતો. મુખ્ય ન્યાયાધીશ ગવઇ પર સનાતન ધર્મનું અપમાન કર્યું હોવાનો દાવો કરીને વકીલે આ જૂતુ ફેંક્યું હતું.

પોલીસને વકીલ રાકેશ કિશોર પાસેથી એક કાગળમાં લખાણ મળ્યું છે જેમાં લખ્યું છે મારો સંદેશો તમામ સનાતનીને છે. સનાતન ધર્મનું અપમાન નહીં ચલાવીએ, તેની પાસે સુપ્રીમ બાર એસોસિએશન, શાહદરા બાર એસોસિએશન અને દિલ્હી બાર કાઉન્સિલનું કાર્ડ પણ હતું. આ વકીલ મૂળ દિલ્હીના મયૂર વિહારનો રહેવાસી છે. એવા અહેવાલો છે કે મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઇએ આરોપી વકીલને માફ કરી દીધો હતો અને એફઆઇઆર દાખલ કરવાની ના પાડી દીધી હતી. જે બાદ દિલ્હી પોલીસે આ વકીલને જવા દીધો હતો. જોકે આ મુદ્દે ભારે વિવાદ થઇ ગયો છે.
બીજી તરફ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ આ ઘટનાને લઇને વકીલની આકરી ટિકા કરી હતી અને તેને પ્રેક્ટિસ કરવાથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસના વરીષ્ઠ નેતા સોનિયા ગાંધીએ કહ્યું હતું કે દેશના મુખ્ય ન્યાયાધીશ પર હુમલો દેશના બંધારણ પર હુમલો છે. જ્યારે સુપ્રીમ કોર્ટના વરીષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે દેશના મુખ્ય ન્યાયાધીશ પર હુમલાનો પ્રયાસ થયો છતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, કાયદામંત્રી અર્જુનરામ મેઘવાલ મૌન છે. નોંધનીય છે કે દેશના બીજા દલિત મુખ્ય ન્યાયાધીશ ગવઇએ તાજેતરમાં એક મૂર્તિ સ્થાપિત કરવાની માગ કરતી જાહેર હિતની અરજી ફગાવી હતી, આ દરમિયાન અરજદારને સલાહ આપી હતી કે તે જઇને ભગવાનને પ્રાર્થના કરે. આ ટિપ્પણીને મુદ્દો બનાવીને તાજેતરમાં ભાન ભુલેલા વકીલે તેમના પર જૂતુ ફેંકવા પ્રયાસ કર્યો હતો.
તમામ ભારતીયોમાં ગુસ્સો, સીજેઆઇ સાથે વાત કરી : પીએમ મોદીની મોડેથી ટ્વિટ
સવારે ૧૧ વાગ્યા આસપાસ મુખ્ય ન્યાયાધીશ પર જૂતુ ફેંકવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાને લઇને રાત્રે ૮.૩૦ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટ્વિટ કરી હતી અને કહ્યું હતું કે મે ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ બીઆર ગવઇજીની સાથે વાત કરી હતી. સુપ્રીમ કોર્ટમાં તેમના પર જે હુમલો થયો તેનાથી તમામ ભારતીયોમાં ગુસ્સો છે. આપણા સમાજમાં આ પ્રકારના કૃત્યને કોઇ જ સ્થાન નથી, આ પ્રકારનું કૃત્ય નિંદનિય છે. જસ્ટિસ ગવઇએ આ દરમિયાન શાંતિનો પરિચય કરાવ્યો તેને હુ બિરદાવું છું.
ભગવાન વિષ્ણુ અંગેની કથિત ટીપ્પણીથી વકીલ નારાજ હતો
મધ્ય પ્રદેશના ખજુરાહોમાં ભગવાન વિષ્ણુની એક ખંડિત મૂર્તિ વર્ષોથી છે. આ મૂર્તિના સમારકામની માગ સાથે એક જાહેર હિતની અરજી સુપ્રીમ કોર્ટમાં થઇ હતી. જેની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ ગવઇએ અરજદારને કહ્યું હતું કે તમે કહો છો કો તમે ભગવાન વિષ્ણુના ભક્ત છો તો પછી આ મૂર્તિના પુન:નિર્માણ માટે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરો. આ મુદ્દે સુપ્રીમ કોર્ટના વકીલે સીજેઆઇ પર જૂતુ ફેંકવા પ્રયાસ કર્યો હોવાના અહેવાલો છે. જોકે અગાઉ સીજેઆઇ ગવઇ ખુદ કહી ચુક્યા છે કે મને કોઇએ કહ્યું કે સોશિયલ મીડિયા પર મારી ટિપ્પણીથી કેટલાક નારાજ છે, હું સ્પષ્ટ કહેવા માગુ છું કે મને તમામ ધર્મો પ્રત્યે આદર ભાવ છે.

