આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર-૨ના વાટા વિસ્તારની મહિલાઓ લાંબા સમયથી ચાલી આવતી પાણીની સમસ્યાને લઈને આજે રણચંડી બની નગરપાલિકા કચેરીએ પહોંચી હતી. પાણી પુરવઠામાં અનિયમિતતા સામે રોષે ભરાયેલી મહિલાઓએ “નગરપાલિકા હાય હાય”ના સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો.

પ્રમુખની ગેરહાજરીમાં મહિલાઓએ સીધા જ મુખ્ય અધિકારી પંકજ નાયકની ચેમ્બરમાં ધસી જઈ માટલા ફોડીને પોતાનો ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. મહિલાઓએ આક્ષેપ કર્યો કે અનેક રજૂઆતો છતાં પીવા, નહાવા કે ધોવા માટે પણ પાણી ઉપલબ્ધ નથી.
પરિસ્થિતિ તંગ બનતા મુખ્ય અધિકારીએ પોલીસ બોલાવી હતી, જેનાથી મહિલાઓ વધુ આક્રોશિત બનીને ચેમ્બરમાં જ બેસી ગઈ હતી. મહિલાઓએ આક્ષેપ કર્યો કે અધિકારી પોલીસ બોલાવીને તેમને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપ શાસિત પાલિકા તંત્ર પાણી જેવી પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ જતાં નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

