પ્રભાસને પાન ઈન્ડિયા સ્ટાર બનાવી દેનારી એસ એસ રાજામૌલીની ફિલ્મ ‘બાહુબલી’ના બંને ભાગ ઓટીટી પરથી ગાયબ કરી દેવાયા હોવાનું કહેવાય છે.

એક દાવો એવો છે કે કદાચ આ ફિલ્મના સ્ટ્રિમિંગ રાઈટ્સ મર્યાદિત સમય માટે જ અપાયા હોય અને તેથી આ ફિલ્મ દર્શાવવાની બંધ કરાઈ હોય. બીજી ચર્ચા એવી છે કે ઓટીટી પ્લેટફોર્મ દર થોડાં વર્ષે તેમની મૂવી લાયબ્રેરી અપડેટ કરતાં હોય છે અને તેના ભાગ રુપે કેટલીક ફિલ્મો ગાયબ થતી હોય છે. જોકે, સાઉથની ઈન્ડસ્ટ્રીમાં ચર્ચા મુજબ રાજામૌલી ફિલ્મના બંને ભાગને એક સળંગ સિંગલ ફિલ્મ તરીકે નવેસરથી એડિટ કરી રજૂ કરવાના હોવાથી તેની માર્કેટિંગ સ્ટ્રેટેજીના ભાગ રુપે જ આ બંને ભાગને ઓટીટી પરથી ઉડાડી દેવાયા છે. કોઈ ફિલ્મ બે ભાગમાં રીલિઝ થઈ હોય અને તેને વર્ષો બાદ રિએડિટ કરી એક સિંગલ ફિલ્મ તરીકે રીલિઝ કરવામાં આવે તેવો આ સંભવતઃ પહેલો પ્રયોગ છે. તેને ટિકિટબારી પર કેટલી સફળતા મળે છે તેની રાહ સમીક્ષકો જોઈ રહ્યા છે.

