ઉત્તરપ્રદેશના કાનપુરના મેસ્ટર્ન રોડ પર બુધવારે એક જોરદાર વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટના કારણે આસપાસમાં ભારે અફરાતફરી મચી ગઈ છે. મળતી માહિતી મુજબ રસ્તા પર ઉભા રહેલા એક સ્કુટરમાં અચાનક ધડાકો થયો, જેના કારણે 6થી વધુ ઘાયલ થઈ ગયા છે. ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે, જેમાં ઘણા લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઘટનાની જાણકારી મળતા જ સરકારના વરિષ્ઠ અધિકારી અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે અને વધુ તપાસ શરૂ કરી દીધી છે. પોલીસનું કહેવું છે કે વિસ્ફોટનું યોગ્ય કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટનાના કારણે વિસ્તારમાં ભારે દહેશતનો માહોલ ઉભો થયો છે. તમને જણાવી દઈએ કે આ વિસ્તાર ભીડ વાળો છે અને દિવાળી પહેલા અહીં ફટાકડાનું ગેરકાયદેસર ગોડાઉન હોવાની ચર્ચાઓ થતી રહે છે, તેથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બ્લાસ્ટ આ ફટાકડાના કારણે થયો હશે.

બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે તેની પાસે આવેલી મસ્જિદની દીવાલોમાં પણ તિરાડો પડી ગઈ છે. જો કે પોલીસનું કહેવું છે કે બ્લાસ્ટ રસ્તા પર ઉભી રહેલી એક સ્કુટીમાં થયો, ત્યારે અત્યાર સુધીમાં ઉર્સુલા હોસ્પિટલમાં 8 ઘાયલ થયેલા લોકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી ઘણા લોકોની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવ્યું છે. આ સ્કુટી કોની હતી, તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. બ્લાસ્ટનો અવાજ 500 મીટર સુધી લોકોને સંભળાયો હતો અને અવાજ સાંભળીને લોકો ચિંતામાં આવી ગયા અને ઘટનાસ્થળ પર અફરાતફરી સર્જાઈ ગઈ છે. હાલમાં ઘટના સ્થળ પર પોલીસ પણ પહોંચી ગઈ છે અને લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્થળ ખાલી કરાવવામાં આવી રહ્યું છે.

