પૂર્વ વિસ્તારમાં શટલ રિક્ષામાં બહાર ગામના પેસેન્જરોને બેસાડીને લૂંટી લેવાના બનાવો વધી રહ્યા છે. રાજસ્થાનના છ યુવકો સીટીએમ એક્સપ્રેસ હાઈવેથી ગીતામંદિર જવા વ્યક્તિ દીઠ રૃા. ૨૦ ભાડુ નક્કી કરીને રિક્ષામાં બેઠા હતા. રીક્ષા ચાલકે ગીતામંદિંર નજીક ખાનગી ટ્રાવેલ્સની બહાર રીક્ષા ઉભી રાખીને વધુ ભાડાની માંગણી કરીને યુવકોને ઓફિસમાં લઇ ગયો હતો. જ્યાં ચાર શખ્સોએ ભેગા મળીને અમે અહિયાંના ડોન છીએ કહીને યુવકોના મોબાઇલ પડાવીને તેમાંથી રૃા. ૪૩૦૦ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ અંગે કાગડાપીઠ પોલીસે ગુનો નોધીને ચાર આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.રાજસ્થાનના વતની અને સુરતની મિલમાં મજુરીકામ કરતા યુવકે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં રિક્ષા ચાલક સહિત ચાર લોકો સામે ફરિયાજ નોંધાવી છે કે તા. ૮ના રોજ તે તેના મિત્રો સાથે સુરતથી મોરબી જવા નીકળ્યા હતા અને બીજા દિવસે સવારે સીટીએમ એક્સપ્રેસ હાઈવે પાસે આવ્યા હતા. ત્યાંથી ગીતામંદિર જવા શટલ રિક્ષામાં બેઠા હતા.

રીક્ષા ચાલકે વ્યકિત દીઠ રૃા.૨૦ ભાડું નક્કી કર્યું હતું ત્યારબાદ ગીતામંદિર પાસે આવેલી ખાનગી ટ્રાવેલ્સની ઓફીસ પાસે રીક્ષા લાવીને ઉભી રાખી અને તમામની પાસે નક્કી થયેલા ભાડાની રકમ કરતા વધુ ભાડું માંગવા લાગ્યા હતા. જેથી યુવકોએ વધુ ભાડું આપવાથી ઇન્કાર કરતા રીક્ષા ચાલકે ટ્રાવેલ્સની ઓફિસમાં લઇ ગયા અને માર મારી મોબાઇલ પડાવી લીધા હતા બાદ રિક્ષા ચાલક સહિત ચાર શખ્સોએ ભેગા મળીને બે યુવકોના મોબાઈલમાંથી કુલ રૃા.૪૩,૦૦ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. તેમજ અમે અહીયાના ડોન છીએ તમાર હાથ પગ તોડીને નાંખી દઈશું તેવી ધમકી અપી હતી આ ઘટના અંગે યુવકે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છેે.

