આ વર્ષે લાંબાં ચોમાસાના કારણે હજુય સૂર્ય સંતાકૂકડી રમે છે. ક્યારેક સૂર્ય દેખાય ને ક્યારેય અચાનક વાદળો ઘેરાય જાય છે. આ વર્ષે સૌએ અનુભવ્યું હશે કે ચોમાસાના દિવસો પૂરા થયા છતાંય આકાશમાંથી વાદળો હટયા નહીં. સૂર્યપ્રકાશ જેટલો આવતો હોય છે એટલો આવ્યો નહીં. જોકે, આ પેટર્ન આજકાલની નથી. ૩૦ વર્ષમાં વાયુ પ્રદૂષણના કારણે સૂર્યપ્રકાશના કલાકોમાં ઘટાડો થયાનો દાવો નવા સંશોધનમાં થયો છે.

ભારતીય હવામાન વિભાગ (આઈએમડી), ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટ્રોપિકલ મીટિરોલોજી (આઈઆઈટીએમ) અને બનારસ હિન્દુ યુનિવર્સિટીના સંયુક્ત સ્ટડીમાં એક ચોંકાવનારું તારણ રજૂ થયું કે છેલ્લાં ૩૦ વર્ષમાં ભારતમાં સૂર્યપ્રકાશના કલાકો ઘટયા છે. ૧૯૮૮થી ૨૦૧૮ સુધીના ૯ વિસ્તારના ૨૦ હવામાન સેન્ટરના ડેટાના આધારે અહેવાલ રજૂ થયો એ પ્રમાણે જુદા જુદા વિસ્તારમાં વાર્ષિક સૂર્યપ્રકાશના કલાકો ઘટયા છે.ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં પ્રદૂષણ અને વાદળોના કારણે વર્ષે ૧૩.૧ કલાક સૂર્યપ્રકાશ ઘટયો હતો. દેશમાં આ વિસ્તાર સૂર્યપ્રકાશ ઘટવામાં સૌથી પ્રભાવિત થયો છે. તે પછી પશ્વિમના રાજ્યોમાં ૮.૬ કલાકનો ઘટાડો થયો છે. પૂર્વીય વિસ્તારોમાં ૪.૯ કલાક ઘટયા હતા તો મધ્ય વિસ્તારોમાં ૪.૭ કલાક ને દક્ષિણમાં ૩.૧ કલાકનો ઘટાડો જોવા મળ્યો હતો. ઉત્તરના મેદાની વિસ્તારો અને પશ્વિમના દરિયાકાંઠાના વિસ્તારોની સરખામણીએ પૂર્વ, મધ્ય અને દક્ષિણમાં હવામાન સ્થિર જોવા મળ્યું હતું.
સ્ટડીમાં એક વિરોધાભાષ એવોય જોવા મળ્યો કે ઉનાળાના મહિનાઓમાં સૂર્યપ્રકાશ ખૂબ આકરો બન્યો છે. તીવ્ર તાપ સહન કરવાનો આવે છે, પરંતુ જૂનથી સપ્ટેમ્બર દરમિયાન જેટલો પ્રકાશ પૃથ્વીના પટ પર આવવો જોઈએ એટલો આવ્યો નહીં. વૈજ્ઞાાનિકોએ જણાવ્યું કે જેને સોલર ડિમિંગ કહેવાય છે એ પાછળ એરોસોલના કણોની વૃદ્ધિ જવાબદાર છે. એરોસોલના કણો ફેક્ટરી, વાહનોના ધુમાડા ને લાકડા કે પરાળી બાળવાથી બને છે. એ વાયુનું પ્રદૂષણ ફેલાવે છે અને તેનાથી સૂર્યપ્રકાશ અવરોધાય છે. એનાથી વાદળોના નાના-નાના ટૂકડા બને છે. જે લાંબાં સમય સુધી આકાશમાં ટકે છે અને સૂર્યની રોશનીને પૃથ્વી પર આવવા દેતા નથી.
વૈજ્ઞાાનિકોના મતે ભારતમાં આનાથી લાંબાંગાળે ગંભીર અસર થઈ શકે. ખાસ તો ખેતી પ્રભાવિત થશે. સૂર્યપ્રકાશ ઘટે એનાથી ફસલોને જે જરૂરી છે એટલો પ્રકાશ મળે નહીં. વળી, ચોમાસું પાકને વધારે અસર થાય. ચોમાસામાં વરસાદ પડે એ પછી તડકાની પણ જરૂર હોય છે. એ સંતુલનથી જ ખેતીમાં સારો પાક આવે છે. તે સિવાય ભારતમાં સોલર ઉર્જા માટે ખૂબ પ્રયાસો થઈ રહ્યા છે એનેય અસર થશે. ભારત દુનિયાનું સૌથી ઉભરતું સોલર ઉર્જા હબ છે, પણ જો વાર્ષિક સૂર્યપ્રકાશ ઘટે તો સૂર્યઉર્જાના ઉત્પાદનને ફટકો પડી શકે.

