ડભોઈ રેલવે સ્ટેશન ફૂટ ઓવર બ્રિજનું કામ: “પાક્કો ગુજરાત દૈનિક .” મા અહેવાલ બાદ તંત્ર દોડતું થયું, લોકોને મળી મોટી રાહત ડભોઈ ઐતિહાસિક શહેર ડભોઈના રેલવે સ્ટેશન પર નિર્માણાધીન ફૂટ ઓવર બ્રિજ (FOB)નું કામ છેલ્લા નવ મહિનાથી વધુ સમયથી ગોકળગાયની ગતિએ ચાલતું હોવાને કારણે મુસાફરો અને સ્થાનિક જનતા પારાવાર હાલાકી ભોગવી રહી હતી.

આ વિલંબિત કામગીરી અંગે મીડિયામાં વિગતવાર અહેવાલ પ્રસ્તુત થતાં જ રેલવે તંત્ર સફાળું જાગ્યું અને તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, અહેવાલ પ્રસ્તુત થયા બાદ તંત્ર દોડતું થયું છે અને ફૂટ ઓવર બ્રિજ માટે જરૂરી એવા કેટલાય પીલર તાત્કાલિક ઊભા કરી દેવામાં આવ્યા છે.

મીડિયામાં સમગ્ર અહેવાલ પ્રસિદ્ધ થતાં જ સ્ટેશન પરના બાકી કામોને ઝડપથી પૂર્ણ કરવા માટે તંત્રએ ગતિ પકડી છે, જેના કારણે લાંબા સમયથી રાહ જોઈ રહેલા મુસાફરો અને ડભોઈ આસપાસના લોકોમાં ખુશીની લહેર ફરી વળી છે આ ફૂટ ઓવર બ્રિજનું કામ અટકેલું હોવાથી મુસાફરોને એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે ફરજિયાતપણે લાંબા ઘરનાળામાંથી ફરીને જવું પડતું હતું. આ લાંબા અંતરના કારણે ઘણીવાર મુસાફરો સમયસર ટ્રેન સુધી પહોંચી શકતા નહોતા અને તેમની નજર સામે જ ટ્રેન ઉપડી જવાની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ બની રહી હતી. ખાસ કરીને વૃદ્ધો, દિવ્યાંગો અને ભારે સામાન સાથેના મુસાફરો માટે આ પરિસ્થિતિ અત્યંત કષ્ટદાયક હતી.જોકે, હવે મીડિયા અહેવાલની સકારાત્મક અસરના પગલે ફૂટ ઓવર બ્રિજનું કામ ઝડપભેર શરૂ થતાં ડભોઈ અને આસપાસના વિસ્તારોની જનતાએ મીડિયાનો આભાર માન્યો છે.

સ્થાનિકો અને મુસાફરો હવે એવી આશા રાખી રહ્યા છે કે તંત્ર આ ગતિ જાળવી રાખશે અને વહેલી તકે આ મહત્વપૂર્ણ ફૂટ ઓવર બ્રિજનું કામ પૂર્ણ કરશે, જેથી તેમને લાંબા સમયથી ચાલી આવતી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે. લોકોએ મીડિયા નો આભાર માન્યો હતો
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

