દિવાળીના પર્વની શરૂઆત વચ્ચે જ અમદાવાદના કાંકરિયા ખાતે આજે (શનિવારે) સાંજે એક ખાનગી કલબમાં યોજાનારા કાર્યક્રમના પગલે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના હજારો નાગરિકોને મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ કાર્યક્રમ સાંજે શરૂ થવાનો હોવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશને સવારથી જ કાંકરિયા લેકફ્રન્ટની તમામ મનોરંજન પ્રવૃત્તિઓ બંધ રાખવાની જાહેરાત કરી છે, જેના કારણે ઝૂ, નોકટરનલ ઝૂ, કિડઝ સિટી સહિતના સ્થળોની મુલાકાત લેવા આવેલા મુલાકાતીઓને નિરાશ થવું પડ્યું છે. અમદાવાદમાં કાંકરિયા અને તેની આસપાસના રસ્તાઓ પર ટ્રાફિક પ્રતિબંધો અને ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યા છે. જે આજે (11 ઓક્ટોબર) ના રોજ બપોરે 3:00 વાગ્યાથી લઈને રાત્રે 2:00 વાગ્યા સુધી અમલમાં રહેશે.

દિવાળીના દિવસોમાં જ લેકફ્રન્ટ બંધ
કોર્પોરેશનના નિર્ણય મુજબ, દિવાળીના તહેવારની શરૂઆતમાં જ કાંકરિયા લેકફ્રન્ટ ખાતેના ઝૂ, નોકટરનલ ઝૂ, કિડઝ સિટી, બાલવાટીકા, નગીનાવાડી, બટરફલાય પાર્ક સહિતની તમામ પ્રવૃત્તિઓ આજે બંધ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં જ આ સ્થળોની 6.73 લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી અને કોર્પોરેશનને રૂ.2.58 કરોડની આવક થઈ હતી. પર્વના સમયે આ જાહેર સ્થળ બંધ કરાતા સ્થાનિકો અને મુલાકાતીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, મુખ્ય કાર્યક્રમ સાંજે શરૂ થવાનો હોવાથી બપોર સુધી તો લેકફ્રન્ટ અને રસ્તાઓ ખુલ્લા રાખી શકાયા હોત.
ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડ્યું: આ રસ્તાઓ બંધ

બોલીવુડના કલાકારોની હાજરીવાળા આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડીને કેટલાક માર્ગો પર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂક્યો છે.

