અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એપલ, માઈક્રોસોફ્ટ, ફેસબૂક સહિતની કંપનીઓને ભારતમાં રોકાણ કરવા સામે જંગી ટેરિફની ધમકી આપી છે. પરંતુ અમેરિકાની આ ટેક્નોલોજી જાયન્ટ કંપનીઓએ ટ્રમ્પની ધમકી છતાં ભારતમાં જંગી રોકાણ વધારી રહી છે, જે ભારતીય અર્થતંત્રના વિકાસમાં તેમનો વિશ્વાસ દર્શાવે છે. અમેરિકાની નાની કંપનીઓ પણ ભારતમાં રોકાણ વધારી રહી છે.

ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર વાટાઘાટો થોડો સમય માટે ખોરવાઈ ગઈ હતી. આ સમયે ટ્રમ્પે ભારતને ડેડ ઈકોનોમી ગણાવી એપલ, ગૂગલ, માઈક્રોસોફ્ટ, મેટા જેવી કંપનીઓને ભારતમાં રોકાણ સામે ચેતવણી આપી હતી. પરંતુ અમેરિક કંપનીઓ ટ્રમ્પની ધમકીથી ડરી નથી. ગૂગલ, માઈક્રોસોફ્ટ, અમેઝોન, એપલ જેવી દિગ્ગજ કંપનીથી લઈને ઓર્ડિનરી થીયરી જેવી ઈન્ટેલિજન્સ હાર્ડવેર કંપનીઓ અથવા ભારતીય શૅરબજારમાં રોકાણ કરતા અમેરિકન નાણાકીય ફંડ્સની ભારતમાં રોકાણની ભાવી યોજનાઓ પર કોઈ અસર થઈ નથી.
ભારતના ઔદ્યોગિક સંગઠનો ફિક્કી, સીઆઈઆઈનું કહેવું છે કે અમેરિકન કોર્પોરેટ સેક્ટરે ટ્રમ્પની ધમકીઓના પગલે ભારતમાં રોકાણ ઘટાડયું હોય તેવા કોઈ સંકેતો જોવા મળ્યા નથી. ભારતીય અર્થતંત્રના વિકાસ પ્રત્યે અમેરિકન કંપનીઓનો વિશ્વાસ મજબૂત હોવાનું તેમની રોકાણ યોજનાઓ પરથી જોવા મળે છે.
ગૂગલે વિશાખાપટ્ટનમમાં ડેટા સેન્ટર હબ બનાવવા માટે ૧૦ અબજ ડોલરનું રોકાણ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ વર્ષ ૨૦૨૪માં પણ જણાવ્યું હતું કે તે ભારતમાં છ અબજ ડોલરનું રોકાણ કરવાની છે, પરંતુ હવે કંપનીએ તેનું કુલ રોકાણ વધારીને ૧૦ અબજ ડોલર અંદાજે ૮૮,૭૩૦ કરોડ રૂપિયા કરવાનો નિર્ણય કર્યો છે. એ જ રીતે માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાએ જાન્યુઆરી ૨૦૨૫માં તેમના ભારત પ્રવાસમાં ત્રણ અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી હતી. જુલાઈમાં ટેરિફ વિવાદ ચર પર હતો ત્યારે પણ માઈક્રોસોફ્ટે ભારતમાં તેની આ રોકાણ યોજનાને અંતિમરૂપ આપ્યું હતું. કંપની ભારતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સેન્ટર સ્થાપિત કરશે.
અમેરિકામાંથી ભારતમાં નવા રોકાણનો સિલસિલો પણ ચાલુ છે. તાજેતરમાં અમેરિકન કંપની ઓર્ડિનરી થીયરીએ ભારતીય કંપની ઓપ્ટીમસ ઈન્ફાકોમ સાથે સંયુક્ત યુનિટની સ્થાપના કરી છે, જેને ભારતના ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રમાં વિદેશી કંપનીઓના વધતા વિશ્વાસ તરીકે જોવામાં આવે છે.

