કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહ મંત્રી પી. ચિદમ્બરમે 1984માં અમૃતસરના સુવર્ણ મંદિરમાં કરવામાં આવેલા ‘ઓપરેશન બ્લૂ સ્ટાર’ને એક ખોટો નિર્ણય ગણાવ્યો છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ધાર્મિક સ્થળ પર આ રીતે સેનાને મોકલીને ઓપરેશન કરવું અત્યંત ભૂલભરેલું હતું, જેની કિંમત પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને પોતાનો જીવ આપીને ચૂકવવી પડી હતી.
ઈન્દિરા ગાંધીએ કિંમત ચૂકવી
પત્રકાર હરિન્દર બાવેજાના પુસ્તક ‘ધે વિલ શૂટ યુ મેડમ’ પરની ચર્ચા દરમિયાન પી. ચિદમ્બરમે આ વાત કહી. બાવેજાએ તેમના પુસ્તકમાં લખ્યું હતું કે ઓપરેશન બ્લૂ સ્ટારની કિંમત ઈન્દિરા ગાંધીને જીવ ગુમાવીને ચૂકવવી પડી હતી, અને જ્યારે ચિદમ્બરમને આ અંગે સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે આ વાત સાથે સહમતિ દર્શાવી હતી.પણ એકલા ઈન્દિરા ગાંધી દોષિત નહીં
ચિદમ્બરમે સૈન્ય અધિકારીઓનું અપમાન ન કરવાની વાત કહેતા જણાવ્યું કે, “જે રીતે ઓપરેશન બ્લૂ સ્ટાર ચલાવવામાં આવ્યું તે ખૂબ જ ખોટું હતું. સેનાને બહાર રાખીને પણ સુવર્ણ મંદિરને ખાલિસ્તાનીઓથી મુક્ત કરાવી શકાયું હોત.” જોકે, તેમણે એ પણ ઉમેર્યું કે આ નિર્ણયમાં એકલા ઈન્દિરા ગાંધીને દોષી ઠેરવી શકાય નહીં, કારણ કે તે સરકાર કરતાં વધુ સેના, પોલીસ, ઇન્ટેલિજન્સ અને નોકરશાહીનો નિર્ણય હતો.

પંજાબનો મુખ્ય પ્રશ્ન આર્થિક સ્થિતિ
ચર્ચા દરમિયાન પી. ચિદમ્બરમે પંજાબની વર્તમાન પરિસ્થિતિ અંગે પોતાનો અભિપ્રાય આપતા કહ્યું કે, “મને લાગે છે કે પંજાબમાં ખાલિસ્તાની અલગતાવાદીઓની સમસ્યા આંશિક રીતે સમાપ્ત થઈ ગઈ છે. હવે મુખ્ય સમસ્યા આર્થિક સ્થિતિની છે.”
શું હતું ઓપરેશન બ્લૂ સ્ટાર?
કટ્ટરપંથી જરનૈલ સિંહ ભિંડરાવાલેએ 15 ડિસેમ્બર 1983ના રોજ પોતાના હથિયારધારી સાથીઓ સાથે સુવર્ણ મંદિર પર કબજો જમાવી દીધો હતો. તેણે શીખ ધર્મ માટે હુકમનામા જારી થતા અકાલ તખ્ત પર પણ કબજો કર્યો હતો. ભિંડરાવાલેએ ખુલ્લેઆમ દિલ્હી સરકારને પડકારી હતી અને હિંદુઓને પંજાબ છોડી દેવાનું કહ્યું હતું. પરિણામે, 5 જૂન 1984ની સાંજે સેનાએ સુવર્ણ મંદિરમાં કાર્યવાહી શરૂ કરી. 6 જૂનની રાત સુધી ચાલેલા ગોળીબાર બાદ જરનૈલ સિંહ ભિંડરાવાલેનો મૃતદેહ મળી આવ્યો, અને ત્યારબાદ ઓપરેશન સમાપ્ત થયું હતું.

