મેક્સિકોમાં અતિ ભારે વરસાદથી પૂર પ્રકોપ સર્જાયો છે. આ પૂર પ્રકોપમાં સાડા ત્રણ લાખથી વધુ લોકો અસરગ્રસ્ત બન્યાં છે. મૃત્યુઆંક વધીને ૬૪ થયો છે ને હજુય ૬૫ લોકોની કોઈ ભાળ મળી નથી. અનેક સ્થળોએ ભૂસ્ખલનની ઘટનાઓ બની છે.

મેક્સિકોના વેરાક્રૂઝ પ્રાંતમાં અતિ ભારે વરસાદ થયો હતો. થોડા દિવસોમાં જ ૨૧ ઈંચ વરસાદ ખાબકી ગયો હોવાથી આખાય પ્રાંતમાં પૂરનું તાંડવ જોવા મળ્યું હતું. વરસાદ અને પૂરના કારણે સેંકડો લોકો અંધારપટ્ટમાં રહેવા મજબૂર બન્યા હતા. કેટલાય વિસ્તારો હજુય પાણીમાં ગરકાવ છે, ત્યાં રાહત સામગ્રી પહોંચાડવાની પ્રક્રિયા શરૂ છે. મેક્સિકોના પશ્વિમી કાંઠે તોફાનો ત્રાટક્યા હોવાથી પ્રેશર સર્જાયું હતું અને તેના કારણે અતિ ભારે વરસાદ થયો હતો.
વરસાદ અને ભૂસ્ખલનમાં ૩૫ હજાર મકાનો ધરાશાયી થઈ ગયા હતા. વેરાક્રૂઝ પ્રાંતની ૫૫ નગરપાલિકાઓમાં ૧૬ હજાર મકાનો પડી ગયા હતા. તે સિવાયના મકાનો કાંઠા વિસ્તારોમાં પડયા હતા. મધ્ય ક્વેંરેટારો રાજ્યમાં ભૂસ્ખલનની ઘટનાઓ નોંધાઈ હતી. અમુક વિસ્તારોમાં તો મકાનમાં ૧૨-૧૨ ફૂટ પાણી ભરાયા હતા. કાર પાણીમાં તણાતી નજરે ચડી હતી. કેટલાય સજીવો પણ આ પૂરના તાંડવમાં મૃત્યુ પામ્યાં હતાં.

