રાજ્યમાં આવતા સરકારી પ્રોજેક્ટોમાં જમીન સંપાદનના કિસ્સામાં ભાજપના પદાધિકારીઓ અને સંબંધિત અધિકારીઓ દ્વારા વ્યવસ્થિત કૌભાંડ આચરીને કરોડો રૂપિયા પડાવી લેવાનો કારસો રચાય છે. આ અંગે માહિતી આપતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડો. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, સુરતના ઓલપાડ તાલુકામાં પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા ૭૬૫ કેવીએના સબ સ્ટેશનનું નિર્માણ કરવાનું હતું. તા. ૬-૮-૨૦૨૪ના રોજ પાવરગ્રીડ કોર્પોરેશનના સિનિયર જનરલ મેનેજરે મામલતદાર, ઓલપાડને પત્ર લખી સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના મોજે ટકારમા, ગોલા અને રાજનગરની જમીન સંપાદન કરવા માટે તાકીદ કરવામાં આવી. ત્યારબાદ ઉપરોક્ત ત્રણેય ગામોની જગ્યાએ મોજે ઓલપાડ ગામ ખાતે પાવરગ્રીડનું સબ સ્ટેશન સ્થાપવા માટે તા. ૨૦-૮-૨૦૨૫ના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. તા. ૬-૮-૨૦૨૪ના રોજ ઉપરોક્ત ત્રણ ગામોની જમીન સંપાદન પ્રક્રિયા અંગે મામલતદાર, ઓલપાડને પત્ર લખ્યા પછી તા. ૨૦-૮-૨૦૨૫ના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું,

આ બંને સમયગાળા દરમ્યાન કેટલી જમીન ખરીદ કરવામાં આવી ? અને કેટલી જમીન એન.એ. થઈ ? તે તપાસનો વિષય છે.
હવે સવાલ એ થાય કે, પહેલા જે ત્રણ ગામો પસંદ કરવામાં આવ્યા હતા, એ ગામોમાંથી શા માટે જમીન સંપાદન કરવામાં ન આવી ? અગાઉ આ ત્રણેય ગામો પસંદ કરાયા હતા, જે સરકારી રેકર્ડ પર છે, પછી એવું તો શું થયું કે ઓલપાડમાં સબસ્ટેશન નક્કી કરવાની ફરજ પડી ? મોજે ટકારમા, ગોલા અને રાજનગરની જગ્યાએ સબસ્ટેશન બાંધવા માટે ઓલપાડ ગામની જમીન સંપાદન કરવા માટે શા માટે જાહેરનામું કરવામાં આવ્યું ? ઓકટોબર-નવેમ્બર, ૨૦૨૪થી જાહેરનામાની તારીખ સુધી કેટલા નવા ખરીદ વેચાણ થયા ? મોજે ઓલપાડની બ્લોક નં. પૈકી કેટલી જમીન ઓકટોબર-નવેમ્બર ૨૦૨૪ પછી બિનખેતી કરવામાં આવી ? ચાલુ વર્ષે જમીન ખરીદ કરીને એન.એ. કરાવી દીધી હોય એવા મોટા માથાઓનો સમાવેશ થાય છે. આ તમામ મોટા માથાઓ રાજકીય વગ ધરાવે છે અથવા તો રાજકીય વગ ધરાવતા પરિવારના લોકો છે. આ તમામ નામો ૭/૧૨માં સામેલ છે. પાવર ગ્રીડ લાઈન સ્થપાવાની છે, એની જાણ તેઓને અગાઉથી થઈ ગઈ હોવાથી ચાલુ વર્ષે જ જમીન ખરીદીને એ જમીન એન.એ પણ કરી દેવામાં આવી. જેનાથી ગુજરાત સરકારે રૂ. ૨૧૯ કરોડ વધુ ચૂકવવા પડે એમ છે. સરકારની તિજોરીને
રૂ. ૨૧૯ કરોડનું નુકશાન પહોંચાડનાર સરકારનો ભાગ કઈ રીતે હોઈ શકે ? તાત્કાલિક અસરથી સરકારમાંથી તેઓને બરખાસ્ત કરી દેવા જોઈએ. આ રીતે ભૂતકાળમાં પણ રાજ્ય સરકાર સાથે છેતરપિંડી કરી છે કે કેમ ? એક સમયે નાના સીમાંત ખેડૂત ગણાતા, આજે કરોડોના આસામી કઈ રીતે થઈ ગયા ? એ પણ તપાસનો વિષય છે. આ સમગ્ર જમીન એન.એ. કૌભાંડ મામલે તપાસ કરવા માટે SIT (સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ)ની રચના કરવામાં આવે અને સમગ્ર કૌભાંડની નિષ્પક્ષ તપાસ કરવાની માંગણી ડો. તુષાર ચૌધરીએ કરી હતી.
ડો. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકા દ્વારા રહેણાંક વિસ્તારમાં કોટેજ ઈન્ડસ્ટ્રીઝની પરવાનગી આપવામાં આવે છે, આવી લગભગ પાંચથી સાત હજાર જેટલી કોટેજ ઈન્ડસ્ટ્રીઝની પરવાનગી મહાનગરપાલિકા દ્વારા સુરત શહેર અને આજુબાજુના ગામો કે જેનો મહાનગરપાલિકામાં સમાવેશ થયો છે એમાં આપવામાં આવે છે. કોટેજ ઈન્ડસ્ટ્રીઝમાં પ્લોટની સાઈઝ હોય છે ૧,૭૦૦ સ્ક્વેર ફુટ. એની જે મંજૂરી હોય છે એમાં ગ્રાઉન્ડ ફ્લોર પર કિચન અને કાર પાર્કિંગ + ચાર માળ આટલી પરવાનગી આપવામાં આવે છે, પરંતુ પાંચ માળની જગ્યાએ સાત માળ બનાવવામાં આવે છે. પાર્કિંગનું પ્રોવિઝન કરવાનું હોય છે, પણ પાર્કિંગની પણ સુવિધા રાખવામાં આવતી નથી. ઈમ્પેક્ટના નિયમ મુજબ ખૂટતા પાર્કિંગની ફી પેટે પ્રતિ ચો.મી. ૧૫,૦૦૦ રૂપિયા ચાર્જ ભરપાઈ કરવાનો થાય એ પણ ચુકવણી થતી નથી. આવા અંદાજે ૭,૦૦૦થી વધુ ગેરકાયદેસર બાંધકામોમાં અંદાજે
રૂા. ૩,૪૭૫ કરોડ જેટલી રકમનું નુકસાન મહાનગરપાલિકાની તિજોરીને થઈ રહ્યું છે. આવી ઈન્ડસ્ટ્રીઓ રહેણાંક વિસ્તારમાં ધમધમી રહી છે, એના કારણે સામાન્ય લોકો જે રહેણાંક વિસ્તારમાં રહેતા હોય એને માટે પણ જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે. આની રજૂઆત અમે શહેરી વિકાસ વિભાગના મંત્રીશ્રીને પણ કરી છે અને તકેદારી આયોગને પણ પત્ર લખ્યો છે, તેમ છતાં પણ આ ૭,૦૦૦ જેટલી ગેરકાયદેસર કોટેજ ઈન્ડસ્ટ્રીઝ સુરતમાં ચાલી રહી છે એની સામે સરકાર કોઈ કાર્યવાહી કરતી નથી, કારણ કે આમાં ખૂબ મોટી રકમનો ભ્રષ્ટાચાર પરવાનગી આપવામાં આવે છે અને પછી મહાનગરપાલિકા દ્વારા નોટીસ આપીને એમાં પણ પૈસા કઢાવીને લોકોને લૂંટવામાં આવે છે.

કોંગ્રેસ હંમેશા ખેડૂતોની સાથે રહી છે. ભાજપ સરકાર જ્યારે ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદા લાવેલી ત્યારે પણ આદરણીય રાહુલ ગાંધીએ એક આંદોલન ઉપાડીને પણ ત્રણેય કાળા કાયદાઓ રદ્દ કરાવવામાં મુખ્ય ભૂમિકા ભજવેલી. રાજ્યમાં આજે બોટાદ ખાતે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે એમાં એઆઈસીસીના સેક્રેટરી અને પૂર્વ ધારાસભ્યશ્રી ઋત્વિકભાઈ મકવાણાએ ખેડૂત તરફી રજૂઆત કરતાં તેઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષ ખેડૂતોના હક્ક માટે લડવા તૈયાર છે અને ખેડૂતોને ન્યાય અપાવવા માટે જે લડત લડવી પડે એ લડવાની હંમેશા તૈયારી છે.
- અનિમેષ દેસાઈ

