અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) ચીન તથા અમેરિકા વચ્ચે નવેસરની વેપાર તાણને કારણે ઊભી થયેલી આર્થિક અનિશ્ચિતતાએ સોનામાં સેફ હેવન માગને ટેકો આપતા અને અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કપાત આવવાની શકયતા મજબૂત બની રહેતા વૈશ્વિક સોનાના ભાવ ૪૧૦૦ ડોલરને પાર કરી નવી ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.

કેન્દ્રીય બેન્કો તરફથી મજબૂત માગ અને ગોલ્ડ ઈટીએફસમાં જોરદાર ઈન્ફલોસને પરિણામે પણ ભાવમાં સુધારો જળવાઈ રહ્યો છે. સોના સાથે વૈશ્વિક ચાંદી તથા અન્ય કિંમતી ધાતુમાં પણ આકર્ષણ ટકી રહ્યું હતું. ચાંદીએ ૫૩ ડોલરની સપાટી કુદાવી હતી. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે કિંમતી ધાતુમાં ઉછાળો ચાલુ રહ્યો હતો.
અમદાવાદ સોનામાં રૂપિયા ૩૦૦૦નો ઉછાળો આવ્યો હતો. ચાંદી પણ રૂપિયા ૫૦૦૦ મોંઘી થઈ હતી. મુંબઈ બજારમાં હાજરમાં ચાંદીની અછત વર્તાતી હોવાનું ચર્ચાતુ હતું. આવતા વર્ષે માગ નબળી રહેવાના અને પૂરવઠો વધવાના વરતારાને પગલે ક્રુડ તેલમાં પીછેહઠ રહી હતી અને ભાવ ૬૨ ડોલરની અંદર ઊતરી ગયા હતા. ઘરઆંગણે મુંબઈ બજારમાં ૯૯.૯૦ સોનુ પ્રતિ દસ ગ્રામ જીએસટી વગર રૂપિયા ૨૦૦૦ વધી રૂપિયા ૧,૨૬,૧૫૨ રહ્યું હતું. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા એટલે કે રૂપિયા ૧,૨૯,૯૩૫ કવોટ થતુ હતું. ૯૯.૫૦ સોનાના પ્રતિ દસ ગ્રામ જીએસટી વગર રૂપિયા ૧,૨૫,૬૪૭ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર રૂપિયા ૧,૭૮,૧૦૦ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ રૂપિયા ૧,૮૩,૪૪૩ બોલાતા હતા.
મુંબઈ બજારમાં રિટેલમાં ચાંદી મળતી નહીં હોવાનું અને સત્તાવાર ભાવ પર પ્રીમિયમ લેવાતુ હોવાની પણ ચર્ચા થઈ રહી છે. પ્રીમિયમ ન આપવું હોય તો બુકિંગ લેવામાં આવતું હોવાનું પણ ચર્ચાતુ હતું. મોટી માત્રામાં ચાંદીની ડિલિવરી અપાતી નહોતી. બુકિંગ બાદ બે-ત્રણ દિવસે ડિલિવરી આપવામાં આવી રહી છે.
અમદાવાદ બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના ભાવ રૂપિયા ૧,૩૨,૦૦૦ જ્યારે ૯૯.૫૦ સોનાના પ્રતિ દસ ગ્રામના ભાવ રૂપિયા ૧,૩૧,૭૦૦ મુકાતા હતા. સોમવારની સરખામણીએ સોનામાં રૂપિયા ૩૦૦૦ ઊંચા બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૫૦૦૦ વધી રૂપિયા ૧,૮૦,૦૦૦ બોલાતા હતા.
વિશ્વ બજારમાં સોનું પ્રતિ ઔંસ ૪૧૦૦ ડોલરને પાર કરી મોડી સાંજે ૪૧૧૦ ડોલર મુકાતુ હતું. ચાંદી ઔંસ દીઠ ઉપરમાં ૫૩.૫૪ ડોલર થઈ મોડી સાંજે ૫૦.૬૦ ડોલર બોલાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ પ્રોફિટ બુકિંગે ૧૬૨૦ ડોલર અને પેલેડિયમ પ્રતિ ઔંસ ૧૪૭૪ ડોલર કવોટ થતું હતું. ચીન-અમેરિકા ટ્રેડ વોર વધુ વકરવાના સંકેતે સોનામાં સેફ હેવન માગ વધી ગઈ હતી.
ક્રુડ તેલમાં આવતા વર્ષે માગ કરતા પૂરવઠો વધુ રહેવાના ઈન્ટરનેશનલ એનર્જીના વરતારાને પગલે ક્રુડ તેલમાં નરમાઈ આવી હતી. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ તેલ પ્રતિ બેરલ ૫૮.૪૦ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ ૬૩ ડોલરની અંદર ઊતરી પ્રતિ બેરલ ૬૨.૩૯ ડોલર મુકાતું હતું.

