ન્યૂ ગાંધીનગરના સરગાસણમાં આવેલા ગોલ્ડન લીવ્સ વેલનેસ સ્પા એન્ડ સલુનમાં દેહવ્યાપાર ચાલતો હોવાની માહિતી પોલીસને મળી હતી. જેથી પોલીસે પોતાના કર્મચારીઓને ડમી ગ્રાહક તરીકે મોકલ્યા હતા અને અહીં ચાલતા દેહવ્યપારના રેકેટને ખુલ્લો પાડયો હતો. આ સંદર્ભે પોલીસે સંચાલકો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ન્યુ ગાંધીનગર સહિત જિલ્લામાં સ્પા અને સલૂનની આડમાં દેહવ્યપાર સહિતના ગોરખધંધા ફુલ્યા ફાલ્યા છે. અહીં નિયમો અને કલેક્ટરના જાહેરનામાનું પાલન નહીં થતું હોવા છતા સ્પા સેન્ટરો વધુને વધુ ખુલી રહ્યા છે તે પૈકીના ઘણા સ્પા સેન્ટરોમાં બહારના પ્રાંત અને દેશમાંથી યુવતીઓ લાવીને દેહવ્યપારની પ્રવૃત્તીઓ આચરવામાં આવે છે. આ સ્થિતિમાં પોલીસને માહિતી મળી હતી કે, સરગાસણમાં આવેલા ગોલ્ડન લીવ્સ વેલનેસ સ્પા એન્ડ સલુનમાં દેહવ્યાપાર ધમધમી રહ્યો છે. જેથી પોલીસ દ્વારા દહેવ્યાપાર પકડવા માટે છટકુ ગોઠવવામાં આવ્યુ હતુ. પોલીસ દ્વારા તેમના કર્મચારીને ડમી ગ્રાહક બનાવવામાં આવ્યો હતો અને મસાજ પાર્લરમાં મોકલવામાં આવ્યો હતો.
કર્મચારી ગ્રાહક બનીને ગયા બાદ મસાજ અને બાદમાં શરીર સબંધ બનાવવાની વાત કરી હતી. જેમાં સ્પા સેન્ટરમાં રહેલી યુવતી શરીર સબંધ બનાવવા માટે તૈયાર થઇ જઇ હતી. જેથી બહાર ઉભી રહેલી પોલીસને ડમી ગ્રાહક બનેલા પોલીસ કર્મીએ અંદર ઇશારો કરી બોલાવી લીધા હતા. બાદમાં મેઘાણીનગર,અમદાવાદ ખાતે રહેતા સ્પા સેન્ટરના મેનેજર ગોપાલસિંહ પવાર અને સરગાસણમાં રહેતા સંગીતા મગનલાલ ધાણકને પકડી તેમની સામે દેહવ્યાપાર બાબતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

