હુડિયામણ બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ફરી ઉંચકાતાં રૂપિયો ફરી એકવાર તળિયાની સપાટીએ એટલે કે ૮૮.૮૧ થયા બાદ બાઉન્સ બેક થયો હતો. ડોલરના ભાવ ૮૮.૬૮ વાળા આજે સવારે ૮૮.૭૫ ખુલ્યા પછી નીચામાં ભાવ ૮૮.૭૦ તથા ઉંચામાં ભાવ ૮૮.૮૧ થઇ છેલ્લે બંધ ભાવ ૮૮.૭૯ રહ્યા હતા.

શેરબજારમાં પીછેહટના પગલે કરન્સી બજારમાં રૂપિયો આજે દબાણ હેઠળ રહ્યો હતો. જો કે વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવમાં પીછેહટ જોવા મળતા કરન્સી બજારમાં રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, ચીન દ્વારા શિપીંગ ક્ષેત્રમાં નવા અંકુશો લાદવામાં આવતાં ચીન તથા અમેરિકા વચ્ચે વેપાર વિષયક તણાવ ફરી વધ્યાના વાવડ મળ્યા હતા. ભારત તથા અમેરિકા વચ્ચે વેપાર કરાર વિષયક થઇ રહેલી વાટાઘાટો પર પણ બજારની નજર રહી હતી. દરમિયાન, વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઇન્ડેક્સ આજે ૦.૧૩ ટકા ઉંચકાયો હતો. ડોલરનો વૈશ્વિક ઇન્ડેક્સ નીચામાં ૯૯.૦૭ તથા ઉંચામાં ૯૯.૪૭ થઇ ૯૯.૪૦ રહ્યાના નિર્દેશો હતા. મુંબઇ કરન્સી બજારમાં આજે ડોલરમાં ઉંચા મથાળે વિવિધ સરકારી બેંકોની વેચવાલી પણ જોવા મળી હતી.
દરમિયાન મુંબઇ બજારમાં બ્રિટીશ પાઉન્ડના ભાવ ૪૬ પૈસા ઘટયા હતા. પાઉન્ડના ભાવ નીચામાં રૂ. ૧૧૭.૬૬ થઇ છેલ્લે ભાવ રૂ. ૧૧૭.૮૧ રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ રૂપિયા સામે ૨૧ પૈસા ઘટયા હતા. યુરોના ભાવ નીચામાં રૂ. ૧૦૨.૪૯ થઇ રૂ. ૧૦૨.૬૦ છેલ્લે રહ્યા હતા. જાપાનની કરન્સી રૂપિયા સામે આજે ૯.૨૯ ટકા પ્લસમાં રહી હતી. જો કે ચીનની કરન્સીમાં રૂપિયા સામે ધીમો ઘટાડો જોવા મળ્યો હતો.

