અત્યારે દિવાળી પર્વનો ઉલ્લાસ છવાઈ રહ્યો છે અને બજારોમાં ખરીદી માટે જોરદાર ભીડ જામી રહી છે. જો કે, ઈ-કોમર્સ ક્ષેત્રમાં ઓનલાઈન શોપિંગનો ક્રેઝ પણ ચાલુ દિવાળીએ અકબંધ રહ્યો છે. એકાદ વર્ષથી ખુબ જ વધી ગયેલા સાયબર ફ્રોડ અને સરકારની ‘વોકલ ફોર લોકલ’ ઝુંબેશની નહીંવત અસર વચ્ચે ચાલુ વર્ષે નવરાત્રિથી દિવાળી સુધીમાં સાવચેતી સાથે પણ રાજકોટ શહેરમાં ઓનલાઈન શોપિંગમાં રર ટકા વૃધ્ધિ આવી છે.ગુજરાતના ચોથા સૌથી મોટા શહેર અને ધમધમતા વ્યાપારી કેન્દ્ર રાજકોટમાં અત્યારે ખરીદીનો પીક ટાઈમ છે. ૩૨ લાખથી વધુની વસ્તીમાં અંદાજે ૪ લાખથી વધુ ઓનલાઈન ખરીદદારો અને ઇન્ટરનેટનો વ્યાપ ૬૦% થી વધુ હોવાથી ઈ-કોમર્સમાં રાજકોટના ઓનલાઈન શોપર્સ ચાલુ દિવાળી ફેસ્ટિવલમાં ૧,૫૦૦ કરોડ રૂપિયાનું યોગદાન આપે તેવો અંદાજ છે. રાજકોટમાં ઈ-કોમર્સ ક્ષેત્રે ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન, ફલીપકાર્ટ, મીસો અને મૈન્ત્રા જેવા પ્લેટફોર્મ જ લોકોમાં હોટ-ફેવરીટ રહ્યા છે.
સ્થાનિક વેર હાઉસ મેનેજર કહે છે કે, રાજકોટમાં હજુ અમદાવાદ કક્ષાનું ઓનલાઈન શોપિંગ થતું નથી. આમ છતાં દિવાળી ફેસ્ટિવલમાં અલગ-અલગ કંપનીઓની ઓફરને પગલે દૈનિક પાર્સલ (શિપમેન્ટ) વધીને બમણા થયા છે. સામાન્ય દિવસોમાં ૯-૧૦ હજાર પાર્સલ હોય છે, જે આંકડો અત્યારે દરરોજ ર૧,૦૦૦ શિપમેન્ટ સુધી પહોંચી ગયો છે. રાજકોટ શહેરમાં મુખ્ય ચાર કંપનીના રપ૦ જેટલા ડિલિવરીમેન છે, જેઓ સામાન્ય દિવસોમાં ૧૦-૧ર કિ.મી. ફરીને ૪૦-પ૦ પાર્સલની ડિલિવરી કરતા હોય છે, પણ અત્યારે દરરોજ રપ થી ૪૦ કિ.મી. ભાગદોડ કરીને ૧૦૦થી વધુ પાર્સલ ડિલિવર કરી રહ્યા છે. પરિણામે તેમની આવક પણ બેઝ-પે, ઈન્સેન્ટિવ્સ અને ટિપ્સ સાથે દોઢીથી બમણી વધીને રૂા.રપ-૩૦ હજાર સુધી પહોંચી છે. સાયબર ફ્રોડ વધી ગયા હોવાથી સાવચેતી માટે કેશ ઓન ડિલિવરીમાં થોડો વધારો થયો છે. સામાન્ય દિવસોમાં દૈનિક ૧૨-૧૫ લાખના વ્યવહાર કેશ આવતા, જ્યારે અત્યારે કેશ ઓન ડિલિવરી દરરોજ ૪૦ લાખથી વધુ હોય છે.