NATIONAL : સુપ્રીમ કોર્ટનું ‘ગ્રીન’ સિગ્નલ દિવાળીએ દિલ્હીમાં ‘ફટાકડા’ ફૂટશે

0
56
meetarticle

દિવાળી પહેલા સુપ્રીમ કોર્ટે ફટાકડા અંગે મોટો નિર્ણય લીધો છે. સુપ્રીમે રાજધાની દિલ્હીમાં ગ્રીન ફટાકડા ફોડવા અને વેચવાની છૂટ આપી દીધી છે. જોકે આ સાથે જ સુપ્રીમ કોર્ટે કેટલીક શરતો પણ મુકી છે. ગ્રીન ફટાકડાનું વેચાણ માત્ર ૧૮થી ૨૦ ઓક્ટોબર સુધી જ કરી શકાશે. જ્યારે ૨૧મી ઓક્ટોબર સુધી ફટાકડા ફોડી શકાશે. એટલે કે દિવાળી સમયે દેશની રાજધાની દિલ્હી ફટાકડાના અવાજથી ગુંજી ઉઠશે.  

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઇએ કહ્યું હતું કે દિવાળી દરમિયાન દિલ્હી-એનસીઆરમાં બહારથી તસ્કરી કરીને લવાતા ફટાકડા વધુ નુકસાન પહોંચાડે છે. એક સંતુલિત દ્રષ્ટિકોણ અપનાવવો પડશે, પર્યાવરણની સાથે બાંધછોડ કર્યા વગર સંયમિત રીતે ફટાકડા ફોડવાની મંજૂરી આપવી પડશે. સુપ્રીમ કોર્ટે અગાઉ ગ્રીન ફટાકડા સહિતના તમામ પ્રકારના ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકી દીધો હતો. દિલ્હીમાં વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો હતો.

જોકે બાદમાં કેન્દ્ર સરકાર, દિલ્હી સરકાર તેમજ ફટાકડા ઉત્પાદકો દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરાઇ હતી અને પ્રતિબંધમાં રાહત આપવા વિનંતી કરાઇ હતી. જેને સુપ્રીમ કોર્ટે સ્વીકારી હતી અને માત્ર ગ્રીન ફટાકડા ફોડવા અને વેચાણ-ઉત્પાદન કરવાની છૂટ આપી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે એનસીઆર વિસ્તારની બહારના કોઇ પણ ફટાકડાને મંજૂરી આપવામાં નહીં આવે. દિલ્હી એનસીઆરમાં પણ સવારે છથી સાત જ્યારે સાંજે રાત્રીના આઠથી ૧૦ વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે.

એવું માનવામાં આવે છે કે ગ્રીન ફટાકડા એવી રીતે તૈયાર કરાય છે કે જેના ઉપયોગથી પરંપરાગત ફટાકડા કરતા ઓછુ પ્રદૂષણ ફેલાય છે. જોકે ગ્રીન ફટાકડા સંપૂર્ણપણે પ્રદૂષણથી મૂક્ત નથી. સીએસઆઇઆર-નીરિના એક અનુમાન મુજબ ગ્રીન ફટાકડા હાલના ફટાકડા કરતા ૩૦ ટકા ઓછુ પ્રદૂષણ ફેલાવે છે. દર વર્ષે દિવાળી સમયે જ દિલ્હીમાં પ્રદૂષણ ભયજનક સપાટીએ પહોંચી જાય છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે જો ગ્રીન ફટાકડા ફેક નીકળશે તો ઉત્પાદકનું લાઇસેન્સ રદ કરી દેવામાં આવશે. તેથી હાલમાં સુપ્રીમ કોર્ટે રાહત તો આપી છે પરંતુ કેટલીક શરતોનું પાલન કરવું પડશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here