કરમસદ આણંદ મનપાએ બાકરોલ ગેટ પાસે આવેલી હોટેલ આશીષ ચાઈનીઝ કિંગ અને સામરખા ચોકડી પાસે આવેલી હોટેલ અંબરમાં સ્વચ્છતા સહિતની બાબતોમાં ક્ષતિઓ જણાતા બંને હોટેલો સીલ કરી દીધી છે.
કરમસદ આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય અને સેનેટરી વિભાગોની ટીમ દ્વારા શહેરમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું હતું. ત્યારે બે વિસ્તારમાં તપાસ દરમિયાન બે હોટેલોમાં સ્વચ્છતાનો સદંતર અભાવ જોવા મળ્યો હતો.

આણંદ શહેરના બાકરોલ ગેટ પાસે આવેલી હોટેલ આશીષ ચાઈનીઝ કિંગ અને સામરખા ચોકડી પાસે આવેલી હોટેલ અંબર ખાતે આકસ્મિક તપાસણી દરમિયાન જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે. જેમાં સ્વચ્છતાનો સદંતર અભાવ અને રસોડામાં ગંદકી જોવા મળી હતી. ઉપરાંત કોબીજની શાકભાજી ખરાબ હાલતમાં, ખાવાની ચીજો ગંદકીમાં, ફ્રીઝરમાં ઢાંક્યા વગરની વસ્તુ અને મરેલા મચ્છર પણ જણાઈ આવ્યા હતા.
મહાનગરપાલિકાની ટીમ દ્વારા બંને હોટેલો ખાતે બિલકુલ હાઈજિન ના હોવા સાથે લોકોના આરોગ્યને જોખમીરૂપ ખાદ્ય ચીજોનું વેચાણ થઈ રહેલું જણાઈ આવતા તાત્કાલિક અસરથી આ બંને હોટેલો કાયદાની જોગવાઈને આધીન જીપીએમસીની કલમ-૩૭૬-એ અંતર્ગત સીલ કરવામાં આવી છે.
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા હોટેલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમો હાઇજિન અને સ્વચ્છતા રાખે દેવી તાકીદ કરાઈ છે.
- ખોરાકમાં ભેળસેળ, સ્વચ્છતામાં બાંધછોડ ચલાવી નહીં લેવાય
દિવાળીના તહેવારો દરમિયાન મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખાણીપીણીના એકમો ખાતે સ્વચ્છતાની ચકાસણી અંગેની ઝુંબેશ ચાલુ રહેશે. ખોરાકમાં ભેળસેળ અને સ્વચ્છતાના માપદંડોમાં કોઈપણ રીતે ચલાવી લેવામાં આવશે નહીં, આવા એકમો વિરૂદ્ધ ત્વરિત કડક કાર્યવાહી કરાશે તેવું પાલિકાએ જણાવ્યું છે.

