વેરાવળમાં બે મહિના પહેલા મહિલાને ડિજિટલ એરેસ્ટ કરીને રૂા. ૧.૧૫ લાખ પડાવી લેવાતા આપઘાત કર્યો હતો, જે ચકચારી પ્રકરણમાં ગીર સોમનાથ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મધ્યપ્રદેશ જઇને રિક્ષા ચાલક બનવા સહિતનો વેશપલ્ટો કરી સિફતપૂર્વક ચાર સાયબર ચીટરોને ઝડપી લીધા છે.

વિગત પ્રમાણે, વેરાવળમાં રહેતા પુજાબેન નામના મહિલાને ગત તા.૩૦મી ઓગસ્ટે વ્હોટ્સઅપ કોલ આવ્યો હતો અને તેમના નામે એક પાર્સલમાં ગેરકાનૂની વસ્તુઓની હેરાફેરી થતી હોવાનું કહીને આખા પરિવારને પોલીસ અને ઇન્કમટેકસનાં કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ડિઝિટલ એરેસ્ટ કર્યા હતા. બાદમાં તેમની પાસેથી રૂા. ૧.૧૫ લાખ ટ્રાન્સફર કરાવીને વધુ રૂપિયાની માંગણી કરતા મહિલાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો.
આ બાબતની પતિને જાણ થતાં વેરાવળ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેને ગંભીરતાથી લઇને એલ.સી.બી. ટીમને તપાસ સોંપવામાં આવતા અલગ – અલગ ટીમો બનાવીને બે આરોપીને ઝડપી લીધા હતા. જેમની પૂછતાછ તથા અન્ય ટેકનિકલ સોર્સને કામે લગાડીને વધુ ચાર આરોપીએ મધ્યપ્રદેશના ભોપાલ શહેર તથા અન્ય જિલ્લાઓમાં હોવાની બાતમી મળી હતી. પરંતુ તેઓ મોબાઇલ ફોન અને નંબર વારંવાર બદલતા રહેતા હોવાથી પગેરૂં દબાવી શકાતું નહોતું.
આખરે એલસીબી પી.આઇ. એમ.વી. પટેલે પીએસઆઇ એ.સી. સિંઘવની આગેવાનીમાં પાંચ જવાનોની ખાસ ટીમ બનાવીને મધ્યપ્રદેશ મોકલી હતી. જેમણે ઘણા દિવસો સુધી ભોપાલ અને અન્ય જિલ્લામાં રિક્ષા ચાલક સહિતના વેશપલ્ટા કરીને વોચ ગોઠવી હતી. અને એક બાદ એક ચાર આરોપીઓ દાતાર ઉર્ફે મોનુ છક્કલાલ રજક (ઉ. ૨૭), હર્ષ ઉર્ફે હરસુ પર્વતસિંગ બોધી (ઉ. ૨૫), આકાશ આનંદ બંસલ (ઉ. ૨૫) અને જાગેશ્વર સુંદરલાલ બોધી (ઉ. ૨૬)ને ઝડપી લઇને રૂા. ૬૫,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
| આરોપીઓ પાસેથી કબજે કરાયેલા મુદ્દામાલ | |
| * મોબાઇલ ફોન | ૧૧ |
| * એ.ટી.એમ. કાર્ડ | ૨૫ |
| * સીમ કાર્ડ | ૯ |
| * બેન્ક પાસ બુક | ૧૨ |
| ડિજિટલ એરેસ્ટ કરતી ગેંગની મોડ્સ ઓપરેન્ડી |
| વેરાવળના ચકચારી પ્રકરણમાં ઝડપાયેલા શખ્સો અલગ – અલગ વોટ્સએપ નંબર પરથી કોલ કરીને પાર્સલ મોકલવા બાબતે પોતે ઇન્કમટેક્સ અને પોલીસ ઓફિસર હોવાની ખોટી |
| ઓળખ આપીને ડરાવી – ધમકાવી પેનકેન પ્રકારે રૃપિયા ટ્રાન્સફર કરાવી સાયબર ફ્રોડ આચરતા હતા. |

