ધોળકા તાલુકાના રામપુર ગામ નજીક ખેતરમાં ડાંગર કાપવાના મશીન પર કામ કરી રહેલા એક યુવાનનું ઇલેક્ટ્રિક શાક લાગવાથી મોત નીપજ્યું હતું. આ ઘટનાથી વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

રામપુર ગામ નજીક ગુરૂવારના રોજ સાંજે ૦૪-૧૫ વાગ્યાની આસપાસ આસિફભાઈ વકીલના બોરકુવા સામે એક ખેતરમાં ધરમસિંગ જગદિશસિંગ (મોગા જિલ્લો, પંજાબ, હાલ રહે. રામપુર ગામ) ડાંગર કાપવાના મશીન પર કામ કરતો હતો. ત્યારે વીજ તાર માથાના ભાગે અડી જતા કરંટ લાગતા જમીન પર પટકાયો હતો. તપાસ કરતા સ્થળ પર જ તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ કલીકુંડ ચોકીના અધિકારી તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા, અને જી.ઇ.બી.ની લાઈટ બંધ કરાવીને મૃતદેહને સી.એચ.સી. ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

