અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં સત્તા પર આવતા જ ગેરકાયદે વસાહતીઓ, ટેરિફ, ઈઝરાયેલની તરફેણ સહિત અનેક વિવાદાસ્પદ નિર્ણયો લીધા છે. ટ્રમ્પની આ નીતિઓ વિરુદ્ધ છેલ્લા ઘણા સમયથી અમેરિકા જ નહીં દુનિયાભરમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે. ટ્રમ્પની તાનાશાહી જેવી વિવાદાસ્પદ નીતિઓના વિરોધમાં શનિવારે ‘નો કિંગ્સ’ના બેનર હેઠળ વોશિંગ્ટન ડીસીથી લઈને લંડન સુધી લાખો લોકો રસ્તા પર ઉતર્યા હતા. આયોજકોએ દાવો કર્યો હતો કે અમેરિકા સહિત દુનિયાભરમાં ૨૬૦૦થી વધુ સ્થળો પર ટ્રમ્પ વિરુદ્ધ દેખાવો થયા હતા. બીજીબાજુ ટ્રમ્પ સમર્થકોએ આ દેખાવોને દેશદ્રોહી આંદોલન ગણાવ્યું હતું.અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તાનાશાહી અને લોકતંત્ર વિરોધી નીતિઓના વિરોધમાં સમગ્ર અમેરિકામાં ભારે આક્રોશ છે. વોશિંગ્ટન, ન્યૂયોર્ક સિટી, બોસ્ટન, શિકાગો, એટલાન્ટા, હ્યૂસ્ટન જેવા શહેરોમાં હજારોની સંખ્યામાં લોકો દેખાવોમાં જોડાયા હતા. એટલું જ નહીં, અમેરિકાની બહાર યુરોપમાં સ્પેનના મેડ્રિડ અને બાર્સેલોના, ઈંગ્લેન્ડમાં લંડન ખાતે અમેરિકન દૂતાવાસ બહાર પણ હજારો લોકોએ ટ્રમ્પની તાનાશાહી નીતિઓના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યો હતો.

પ્રગતિશિલ વિચારધારાવાળા નેતા સેનેટર બર્ની સેન્ડર્સ અને ડેમોક્રેટિક સાંસદ એલેક્ઝાન્ડ્રિયા ઓકાસિયો-કોર્ટેઝે આ દેખાવોનું સમર્થન કર્યું હતું. તેમની સાથે ૨૦૧૬ના પ્રમુખપદના ઉમેદવાર અને પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન પણ આ આંદોલનના સમર્થનમાં આગળ આવ્યા હતા. આ સિવાય અનેક સેલિબ્રિટીઓ પણ ‘નો કિંગ્સ’ દેખાવોના સમર્થનમાં આગળ આવ્યા હતા.
ન્યૂયોર્ક સિટીના ટાઈમ સ્ક્વેર, બોસ્ટન, એટલાન્ટા અને શિકાગોના પાર્ક્સ ખાતે લોકોએ ‘વિરોધ કરતાં વધુ દેશભક્તિ કંઈ નથી’, ‘ફાસિવાદનો પ્રતિકાર’ જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. વોશિંગ્ટન અને લોસ એન્જેલસમાં લોકોએ ટ્રમ્પના વિરોધમાં રેલી કાઢી હતી. ટ્રમ્પ વિરોધી રેલી માત્ર ડેમોક્રેટ જ નહીં રિપબ્લિકન શાસિત રાજ્યોમાં બિલિંગ્સ, મોન્ટાનામાં પણ યોજાઈ હતી. આ સિવાય કેટલાક નાના શહેરોમાં પણ મોટી સંખ્યામાં દેખાવકારો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના સમર્થકોએ આ દેખાવોને ‘અમેરિકા વિરોધી’ ગણાવ્યા હતા. જોકે, અનેક સ્થળોએ દેખાવો કરતા સ્ટ્રીટ પાર્ટી ચાલતી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખપદ સંભાળ્યાના માત્ર ૧૦ જ મહિનામાં ગેરકાયદે વસાહતીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરી છે. તેમણે પેલેસ્ટાઈન સમર્થક દેખાવો અને વિવિધતા અંગેની નીતિઓના પગલે યુનિવર્સિટીઓને અપાતું ફેડરલ ફન્ડિંગ રોકવાની ચેતવણી આપી છે. અનેક રાજ્યોમાં નેશનલ ગાર્ડ તૈનાત કરવાનો પ્રયત્ન કર્યો છે. ટીકાકારોનું કહેવું છે કે ટ્રમ્પ સરકારનું આ પગલું સમાજમાં વિભાજન વધારી રહ્યું છે અને લોકતંત્રના મૂળ સિદ્ધાંતોને જોખમમાં નાખી રહ્યું છે.’નો કિંગ્સ’ના દેખાવો યોજનારા ગુ્રપ ઈન્ડિવિઝિબલનાં સહ-સંસ્થાપક લીહ ગ્રીનબર્ગે કહ્યું કે, અમારા દેશમાં રાજા નથી હોતા અને આ જ અમેરિકાની સૌથી મોટી ઓળખ છે કે લોકો ખુલીને વિરોધ કરી શકે છે. તેમણે આ દેખાવોને તાનાશાહી પ્રવૃત્તિઓ વિરુદ્ધ શાંતિપૂર્ણ પ્રતિરોધ ગણાવ્યો હતો. અમેરિકન સિવિલ લિબર્ટિઝ યુનિયને જણાવ્યું કે હજારો વોલેન્ટિયર્સને કાયદાકીય અને તણાવ ઘટાડવા સંબંધિત તાલિમ અપાઈ છે, જેથી તેઓ વિવિધ શહેરોમાં થનારી માર્ચમાં માર્શલની ભૂમિકા ભજવી શકે.

