વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીએમ સ્વનિધિ યોજનામાં છેલ્લા ૧૫ દિવસમાં સુધીમાં ૫૯,૯૯૪ લાભાર્થીઓને લોનની સહાય આપવામાં આવી છે. શહેરી શેરી ફેરિયાઓ પોતાનો વ્યવસાય કરીને પગભર બની શકે તે હેતુથી આ યોજના શરૃ કરી છે.

પીએમ સ્વનિધિ યોજના હેઠળ લોન મેળવવા ૭૬૦૧૨ ઓનલાઇન અરજીઓ મળી હતી
હજુ પણ મોટી સંખ્યામાં ફેરિયાઓ લોન સહાયનો લાભ લેવા લાઇનો લગાવી રહ્યા છે. કોરોના મહામારી બાદ ભારત સરકાર દ્વારા શહેરી વિસ્તારના શેરી ફેરીયાઓ માટે પીએમ સ્વનિધિ યોજના અમલમાં છે. તા. ૩૧/૧૨/૨૦૨૪ બાદ આ યોજનાની પુનઃઘડતર કરવાની પ્રક્રિયા ચાલતી હતી. હવે આ યોજના સપ્ટેમ્બર ૨૦૨૫થી નવા સ્વરૃપે અમલમાં આવેલ છે. નવી અમલી બનેલી આ યોજનામાં લોનની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કે ૧૫ હજારની વર્કિંગ કેપિટલ લોન તેમજ પ્રથમ લોન પૂર્ણ થયે બીજા તબક્કે ૨૫ હજાર અને ત્રીજા તબક્કે ૪૦ હજારની લોન વ્યાજ સહાય સાથે આપવામાં આવે છે. તા. ૧૬ સુધીમાં મહાનગરપાલિકા વિસ્તારમાંથી ૭૬,૦૧૨ ઓનલાઇન લોન અરજીઓ મળી હતી. જેની ચકાસણી કરતા કુલ- ૫૪,૭૫૭ અરજીઓ મંજૂર કરવામાં આવી હતી. જે પૈકી કુલ- ૫૩,૯૯૪ અરજદારને આ લોન સહાયનો લાભ આપવામાં આવેલ છે. જે શહેરી શેરી ફેરીયાઓ સૌથી વધુ ડિજિટલ ટ્રાન્જેક્શન કરતા હતા તેવા ફેરિયાઓને સર્ટિફિકેટ વિતરણ પરિચય બોર્ડ વગેરેના લાભો આપવામાં આવ્યા હતા.

