અમેઝોનના ક્લાઉડ યુનિટ એડબલ્યુએસમાં સોમવારે ખામી સર્જાઈ હતી, જેના કારણે સમગ્ર વિશ્વમાં અનેક કંપનીઓ માટે કનેક્ટિવિટીની સમસ્યા ઊભી થઈ હતી. અમેઝોન એડબલ્યુએસમાં અવરોધોના પગલે ટ્રેડિંગ એપ રોબિનહૂડ, ફોર્ટનાઈટ, એઆઈ સ્ટાર્ટઅપ પરપ્લેક્સિટી, ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ કોઈનબેઝ અને સ્નેપચેટ સહિત અનેક એપ્લિકેશન્સ અને કેટલીક લોકપ્રિય વેબસાઈટ્સની સેવાઓ ખોરવાઈ જતા લાખો યુઝર્સ પરેશન થયા હતા.

અમેઝોન વેબ સર્વિસીસ (એડબલ્યુએસ) અમેઝોનનું ક્લાઉડ કમ્પ્યુટિંગ ડિવિઝન છે. તેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અનેક સરકારો, યુનિવર્સિટીઓ, લાખો ખાનગી કંપનીઓને રીમોટ ક્લાઉડ કમ્પ્યુટિંગ સેવા, ડેટા સ્ટોરેજ અને અન્ય ડિજિટલ સેવાઓ પૂરી પાડે છે. ઓનલાઈન આઉટેજ પર નિરીક્ષણ રાખતી વેબસાઈટ ડાઉનડીટેક્ટરે જણાવ્યું કે, સ્નેપચેટ, રોબલોક્સ, ફોર્ટનાઈટ, ઓનલાઈન બ્રોકર રોબિનહૂડ, મેકડોનાલ્ડની એપ અને અન્ય અનેક સેવાઓના યુઝર્સે સંબંધિત એપ કે વેબસાઈટના સંચાલનમાં ખામીની ફરિયાદ કરી હતી.એડબલ્યુએસે કહ્યું હતું કે, તે સમસ્યાને દૂર કરવા પર કામ કરી રહી છે અને તેણે એકસંભવિત સાચું કારણ શોધી કાઢ્યું છે. યુકેમાં સવારે ૮.૦૦ કલાકે આ સમસ્યા શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. કંપનીએ તેના સર્વિસ સ્ટેટસ પેજ પર કહ્યું કે તેને અનેક એડબલ્યુએસ સર્વિસીસ સાથે એરર રેટમાં વધારો અને વિલંબ જોવા મળી રહ્યા હતા. એડબલ્યુએસ અનેક પ્રકારની ઈન્ટરનેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસીસ આપે છે, જેનાથી કંપનીઓ તેમની એપ્સ અને વેબસાઈટ ચલાવવા માટે કમ્પ્યુટર અને સર્વર ભાડાં પર લઈ શકે છે. એવામાં એડબલ્યુએસમાં કોઈપણ સમસ્યા બાકી ઈન્ટરનેટ પર ઝડપથી અસર કરી શકે છે, જેનાથી અમેઝોન સાથે જોડાણ ના હોય તેવી વેબસાઈટ્સ પણ ડાઉન થઈ શકે છે.
ડાઉનડિટેક્ટરે અમેરિકામાં એડબલ્યુએસ માટે ૨,૦૦૦થી વધુ આઉટેજની ઘટનાઓ રિપોર્ટ કરી છે, જેમાં યુઝર્સે અનેક પ્રકારની ડિજિટલ સર્વિસ અને એપને એક્સેસ કરવામાં મુશ્કલીઓ અંગે ચેતવણી આપી હતી. અમેઝોનની પોતાની ઈકોસિસ્ટમ પણ આ સમસ્યાથી બચી શકી નથી. મોનિટરિંગ સાઈટે બતાવ્યું કે, અમેઝોન.કોમ, પ્રાઈમ વીડિયો અને અન્ય પ્લેટફોર્મ્સે પણ કનેક્ટિવિટીની સમસ્યાનો સામનો કરવો પડયો છે. બ્રિટન સ્થિત બીસીએસ, ધ ચાર્ટર્ડ ઈન્સ્ટિટયૂટ ફોર આઈટીના સાયબરસિક્યોરિટી નિષ્ણાત પેટ્રિક બર્ગેસે જણાવ્યું કે, આજના વિશ્વમાં દુનિયા માત્ર ત્રણ અથવા ચાર મોટી ક્લાઉડ કમ્પ્યુટ કંપનીઓ પર નિર્ભર છે. આ કારણથી આવી કોઈ સમસ્યા આવે ત્યારે ઓનલાઈન સેવાઓની વ્યાપક શ્રેણી, વ્યાપક સ્પેક્ટ્રમ પર અસર થઈ શકે છે.

