આણંદ જિલ્લામાં દિવાળીના સમયે જ રસોડામાં ઉપયોગી ગેસના સિલિન્ડરની ભારે તંગી વર્તાઈ હોવાથી હજારો ગ્રાહકો બાટલા મેળવવા માટે દોડધામ કરી રહ્યા છે. જ્યારે વહીવટી તંત્ર તથા ગેસ એજન્સીઓ હજીરા પ્લાન્ટથી બાટલાનો પુરવઠો યોગ્ય માત્રામાં આવતો ન હોવાનું જણાવી રહ્યા છે.

આણંદ જિલ્લામાં દિવાળીના પર્વ નિમિત્તે ગૃહિણીઓ દ્વારા ગેસ સિલિન્ડરની નોંધણીઓ કરાવી હોવાના ૧૫થી વધુ દિવસો પસાર થયા છતાં પણ હજુ સુધી ગેસના બાટલાની ડીલેવરી એજન્સો દ્વારા કરવામાં આવતી ન હોવાથી દિવાળીના દિવસે જિલ્લા ભરની ગેસ એજન્સીઓની ઓફિસોની આગળ ગેસના બાટલા લેવા માટે ગ્રાહકોની લાંબી લાઈનો જોવા મળી હતી. ગેસ એજન્સીના ટેલીફોન પણ ગેસના બાટલા ક્યારે આવશે તેની જાણકારી માટે સતત રણકી રહ્યા હતા.ગેસ ગ્રાહકોના જણાવ્યા મુજબ ગેસના બાટલાની નોંધણીના ૧૫ દિવસ થયા બાદ પણ હજુ સુધી ઘેર ડીલેવરી આપવામાં આવી નથી. જેથી અમો હવે નાછૂટકે એજન્સીની ઓફિસે આવીને બાટલા માટે રજૂઆત કરી રહ્યા છે પરંતુ છેલ્લા ૧૫ દિવસથી હજુ પણ ગેસના બાટલા મળ્યા નથી. હવે દિવાળીના દિવસોમાં ગેસનું સિલિન્ડર થઈ રહે તો પછી બે સમયનું ભોજન કેવી રીતે બનાવવું તેની ચિંતા સતાવી રહી છે.
ગેસ એજન્સીના વ્યવસ્થાપકોના જણાવ્યા મુજબ, અમોએ ગ્રાહકોના જરૂરિયાત મુજબના ગેસના સિલિન્ડરની નોંધણીઓ હજીરા પ્લાન્ટમાં કરાવેલી છે પરંતુ, પ્લાન્ટમાંથી જ અમારી જરૂરિયાત મુજબની ગાડીઓ આવતી નથી જેને કારણે અમે વિતરણ વ્યવસ્થામાં પણ મુશ્કેલીઓ અનુભવી રહ્યા છીએ.
કંપનીઓમાં શોર્ટેજના લીધે આવક ઓછી છે, ધીમે ધીમે સામાન્ય થશે : પુરવઠા વિભાગ
જિલ્લા પુરવઠા વિભાગના જણાવ્યા મુજબ, દિવાળીના તહેવારોને અનુલક્ષીને ગેસના બાટલાના ઉત્પાદન કરતા કંપનીઓમાં હાલ ખૂબ જ શોર્ટેજ હોવાથી આણંદ જિલ્લાને જરૂરી હોય એવા ગેસના બાટલાની આવક ઓછી થઈ હોવાથી આવી સ્થિતિ સર્જાઈ છે. જે ધીમે ધીમે સામાન્ય થઈ જશે.

