સુરેન્દ્રનગરની બજારોમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ મુખવાસની ખરીદીમાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ગુજરાતીઓ નવા વર્ષની શરૃઆતમાં એક-બીજાના ઘરે જઇ નવા વર્ષની શુભકામનાઓ પાઠવી મોં મીઠું કરાવે છે. ત્યારે બજારમાં ગૃહિણીઓ પોતાના સ્વાદ મુજબ મુખવાસની ખરીદી કરતા નજરે પડી હતી.

દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં વિવિધ પ્રકારના મુખવાસનું વિશેષ મહત્વ રહેલું છે. દરેક હિન્દુ પરિવારને ત્યાં નવા વર્ષના તહેવાર દરમિયાન અચુક મુખવાસ દાનીમાં અલગ અલગ પ્રકારના મુખવાસ રાખે છે. લોકો હેલ્થ કોંસિયસ બન્યા હોવાથી સ્વાસ્થ્યપ્રદ મુખવાસ આમળા, અળસી, સુવાદાણા, ગોટલી, ફૂદીના ગોળી, આદુવાળા મુખવાસની પસંદગી કરે છે તેમજ આ વર્ષે મિક્સ બીજનો મુખવાસની માંગ વધારે છે. લોકો એક કરતાં વધારે મુખવાસ ખરીદતા હોવાથી વરીયાળી, ચણોઠીના પાંદડાવાળા , ધાણાદાળ, બનારસી અને કલકત્તી પાનના મુખવાસ પણ બહોળા પ્રમાણમાં ખરીદાય છે.’વર્ષોેથી મુખવાસનું વેચાણ કરતા વેપારીના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે મુખવાસના ભાવમાં ૧૦થી ૨૦ ટકાનો ભાવ વધારો થયો છે અને રૃ.૨૦૦થી લઈને રૃ.૮૦૦ પ્રતિ કિલો ભાવ સુધીની રેન્જમાં મુખવાસ મળી રહે છે તેમજ ભાવ વધારો હોવા છતા ઘરાકીમાં કોઈ જ ફરક જોવા મળ્યો નથી અને લોકો મનમૂકીને ખરીદી કરી હતી.

