બેલ્જિયમની કોર્ટે ભાગેડુ હીરા વેપારી અને પંજાબ નેશનલ બૅન્ક(PNB)ના 13,500 કરોડ રૂપિયાના કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોક્સીને ભારત પ્રત્યાર્પણ કરવાની મંજૂરી આપી દીધી છે. કોર્ટના આ નિર્ણયને ભારત માટે એક મોટી કાનૂની જીત તરીકે જોવામાં આવી રહ્યો છે. કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ જણાવ્યું છે કે, ‘ચોક્સીના પ્રત્યાર્પણની પ્રક્રિયામાં કોઈ કાનૂની અવરોધ નથી અને તેને ભારત મોકલવામાં કોઈ વાંધો નથી.’

કાનૂની અવરોધ દૂર
કોર્ટે એપ્રિલમાં બેલ્જિયમના અધિકારીઓ દ્વારા ચોક્સીની ધરપકડની માન્યતાને પણ સમર્થન આપ્યું હતું, જે ભારતને તેને પરત લાવવામાં મોટી સફળતા મળી છે. કોર્ટે નોંધ્યું કે, ‘મેહુલ ચોક્સી બેલ્જિયમના નાગરિક નથી, પરંતુ વિદેશી નાગરિક છે, અને તેની સામેના આરોપો તેના પ્રત્યાર્પણને યોગ્ય ઠેરવવા માટે પૂરતા ગંભીર છે.’ભારત દ્વારા ચોક્સી પર લગાવવામાં આવેલા મુખ્ય આરોપો – છેતરપિંડી, બનાવટ, દસ્તાવેજોમાં ખોટા બનાવટ અને ભ્રષ્ટાચાર – બેલ્જિયમના કાયદા હેઠળ પણ ગુના ગણવામાં આવે છે.
ચોક્સી સામેના મુખ્ય આરોપો
ભારતીય કાયદા હેઠળ, ચોક્સી પર મુખ્યત્ત્વે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 120B (ગુનાહિત કાવતરું), 409 (વિશ્વાસનો ગુનાહિત ભંગ), 420 (છેતરપિંડી), અને 477A (ખાતાઓમાં ખોટા પુરાવા) તેમજ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમો હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. આ તમામ આરોપોમાં એક વર્ષથી વધુની સજાની જોગવાઈ છે.
કોર્ટે જણાવ્યું હતું કે, ‘ચોક્સી ગુનાઈત ગેંગમાં ભાગ લેવા, છેતરપિંડી કરવા, ભ્રષ્ટાચારમાં સામેલ થવા અને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરવા જેવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હોઈ શકે છે, જે બેલ્જિયન દંડ સંહિતાની અનેક કલમો હેઠળ ગંભીર ગુના છે.’ જો કે, કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે પુરાવાનો નાશ કરવાના ભારતીય આરોપોમાંથી એક (કલમ 201) બેલ્જિયમના કાયદા હેઠળ ગુનો માનવામાં આવતો નથી, તેથી આ ચોક્કસ આરોપ પર પ્રત્યાર્પણ થઈ શકશે નહીં.
ચોક્સીની દલીલો ફગાવી
મેહુલ ચોક્સીએ કોર્ટમાં કરેલી દલીલોને કોર્ટે ફગાવી દીધી છે. ચોક્સીએ દાવો કર્યો હતો કે તેનું એન્ટિગુઆથી અપહરણ કરીને બેલ્જિયમ લાવવામાં આવ્યો હતો અને ભારતમાં તેને રાજકીય ઉત્પીડન અને અમાનવીય વર્તનનું જોખમ છે. કોર્ટે ચુકાદો આપ્યો હતો કે ચોક્સીના આ આરોપોને સમર્થન આપવા માટે કોઈ નક્કર પુરાવા નથી. આ ચુકાદાથી ચોક્સીને ભારત પરત લાવવાનો માર્ગ મોકળો થયો છે.
