અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) હવામાન વિભાગ તરફથી ફરી એકવાર ગુજરાત માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ‘ડીપ ડિપ્રેશન’ના કારણે રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે, અને ગુજરાતમાં હજી પણ હળવા વરસાદની શક્યતા છે. આ ડીપ ડિપ્રેશન ધીમે ધીમે ઉત્તરપૂર્વ તરફ આગળ વધી રહ્યું છે, જેની સીધી અસર ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પર જોવા મળશે, જ્યાં પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે.

દરિયાકાંઠે તકેદારીના ભાગરૂપે પગલાં લેવાયા છે, જેમાં જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. માછીમારોને પણ આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
24 ઓક્ટોબરે વરસાદની આગાહી આજે (24 ઓક્ટોબર) દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. જેમાંથી કેટલાક જિલ્લાઓમાં તો ગાજવીજ સાથે વરસાદ પડવાની પણ શક્યતા છે.
આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે (25 ઓક્ટોબર) સુરત, નવસારી, ડાંગ, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે (26 ઓક્ટોબર) ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, રાજકોટ અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે.
બંગાળની ખાડીમાં ‘ચક્રવાત’ની ચેતવણી, આંદામાન અને નિકોબાર પર સૌથી વધુ અસર
બીજી બાજુ બંગાળની ખાડી પર આંદામાન અને નિકોબાર ટાપુઓ માટે ચક્રવાતની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ વિસ્તારોમાં 23 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી હતી. હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે આ ચક્રવાતની અસર માત્ર ટાપુઓ પૂરતી સીમિત નહીં રહે, પરંતુ તેની અસર દક્ષિણ દ્વીપકલ્પથી લઈને પૂર્વ, ઉત્તરપૂર્વ, મધ્ય ભારત, પશ્ચિમ ભારત અને ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ફેલાશે.આ ઉપરાંત ચક્રવાતની અસર કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઓડિશા, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ગોવા, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં જોવા મળશે.
આંદામાન અને નિકોબાર ટાપુઓથી શરૂ કરીને, આ ચક્રવાત કેરળમાં પ્રવેશ કરી શકે છે અને ત્યારબાદ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા અને હિમાચલ પ્રદેશમાં પણ વિનાશ વેરવાની શક્યતા છે.

